News of Sunday, 19th July 2026
ગાંધીનગરમાં સંત શિરોમણિ ગુરુ રવિદાસજી મહારાજના 650મા જન્મજયંતી વર્ષ નિમિત્તે સમાગમ યોજાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમરસતા, માનવતા અને સનાતનના મૂલ્યો અપનાવવાનું કર્યું આહ્વાન; રાષ્ટ્રીય સ્મારિકા-ગુજરાતનું વિમોચન

ગાંધીનગરમાં સંત શિરોમણિ ગુરુ રવિદાસજી મહારાજના 650મા જન્મજયંતી વર્ષ નિમિત્તે સમાગમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે ગુરુ રવિદાસજીએ સમગ્ર માનવજાતને સમરસતા, સમભાવ અને માનવતાનો અમૂલ્ય સંદેશ આપ્યો છે. તેમના વિચારોને જીવનમાં આત્મસાત્ કરવું એ જ તેમની સાચી આરાધના છે અને સમાજમાંથી ભેદભાવ દૂર કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે સનાતન પરંપરાની સૌથી મોટી વિશેષતા તેની સર્વસમાવેશકતા છે. સમાજમાં સમરસતા અને સંવાદિતા સ્થાપિત કરવા માટે સંતોના વિચારોને જીવનમાં ઉતારવાની જરૂર છે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે વિકાસની સાથે પોતાની વિરાસત, આધ્યાત્મિક પરંપરા અને સાંસ્કૃતિક ગૌરવને પણ વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી છે.
તેમણે જણાવ્યું કે અંત્યોદયના મંત્રને સાકાર કરતાં કેન્દ્ર સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ કોઈપણ પ્રકારના જાતિ, ધર્મ કે પ્રદેશના ભેદભાવ વિના સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચી રહી છે. સાથે જ પ્રકૃતિના સંવર્ધન અને સંસ્કૃતિના જતનને પણ વિકાસનો અભિન્ન ભાગ ગણાવ્યો હતો.
સમાગમ દરમિયાન સંત શિરોમણિ ગુરુ રવિદાસજી મહારાજના 650મા જન્મજયંતી વર્ષ નિમિત્તે રાષ્ટ્રીય સ્મારિકા-ગુજરાતનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ સંત-મહંતો, ધારાસભ્યો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
