News of Saturday, 24th October 2026
SAI ગાંધીનગર અને MY Bharat દ્વારા ‘નશા મુક્ત ભારત’ જાગૃતિ કાર્યક્રમનું આયોજન; ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને પ્રોત્સાહન
‘નશા મુક્ત યુવા, વિકસિત ભારત’નો સંદેશ — પરંપરાગત ભારતીય રમતો અને ફિટનેસ પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોને નશાથી દૂર રહી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરણા

( અશ્વિન વ્યાસ દ્વારા ) ગાંધીનગર: ભારતીય રમત પ્રાધિકરણ (SAI), ગાંધીનગર દ્વારા MY Bharatના સહયોગથી અડાલજ સ્થિત હાર્ટફુલનેસ સેન્ટર ખાતે ‘નશા મુક્ત યુવા, વિકસિત ભારત’ થીમ હેઠળ ‘નશા મુક્ત ભારત’ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને પ્રોત્સાહન આપવાનો, યુવાનોને પરંપરાગત ભારતીય રમતો સાથે જોડવાનો અને નશીલા પદાર્થોના સેવનથી થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.
કાર્યક્રમ દ્વારા *“નશાને કહો ના, ફિટનેસને કહો હા!”*નો સંદેશ આપવામાં આવ્યો હતો. યુવાનોને સક્રિય જીવનશૈલી અપનાવવા, રમતગમતમાં ભાગ લેવા અને સ્વસ્થ તથા નશામુક્ત ભારતના નિર્માણમાં યોગદાન આપવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા યુવાનોની ઊર્જાને સકારાત્મક અને રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ વાળવાના મહત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત સ્વાગત અને વોર્મ-અપ સત્રથી થઈ હતી. ત્યારબાદ મુખ્ય અતિથિ અને પર્વતારોહક સુશ્રી નિશાએ સ્વાગત સંબોધન કર્યું હતું અને ઉપસ્થિત સહભાગીઓને નશા મુક્ત ભારતની પ્રતિજ્ઞા લેવડાવી હતી. સહભાગીઓએ નશીલા પદાર્થોથી દૂર રહેવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન લગોરી, ટગ ઑફ વૉર, સૅક રેસ, ‘નશા મુક્ત ભારત’ સ્નેક્સ એન્ડ લેડર્સ, ‘નૉક આઉટ નશા’ કૉઇન ટૉસ, ‘ચૂઝ ફિટનેસ’ રિંગ ટૉસ, ફિટ ઇન્ડિયા ફિટનેસ ચેલેન્જ અને પેનલ્ટી શૂટ-આઉટ જેવી પરંપરાગત રમતો તથા ફિટનેસ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આ પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોમાં ટીમ ભાવના, શિસ્ત, રમતગમતની ભાવના અને શારીરિક સક્રિયતાને પ્રોત્સાહન મળ્યું હતું. સાથે જ, યુવાનોને ભારતની પરંપરાગત રમતગમતની વિરાસત સાથે જોડાવા અને ફિટનેસને દૈનિક જીવનનો હિસ્સો બનાવવા માટે પ્રેરણા મળી હતી.
કાર્યક્રમ અંગે પોતાનો પ્રતિભાવ આપતાં પર્વતારોહક સુશ્રી નિશાએ જણાવ્યું હતું, “મને આજનો કાર્યક્રમ ખૂબ જ ગમ્યો, કારણ કે તે યુવાનો સુધી નશામુક્તિનો સંદેશ પહોંચાડવાની સાથે એવી પરંપરાગત રમતોને પણ ફરી જીવંત કરે છે, જે અગાઉ વ્યાપક પ્રમાણમાં રમાતી હતી. આજના ઘણા યુવાનો આ રમતો વિશે જાણતા નથી, તેથી આવી પહેલ દ્વારા તેમને આ રમતો સાથે જોડવામાં આવે છે તે આનંદદાયક છે.”
કાર્યક્રમ દરમિયાન ફિટનેસ, શિસ્ત, માનસિક દૃઢતા અને સ્વસ્થ જીવનશૈલીના મહત્વ અંગે જાગૃતિ સત્ર પણ યોજાયું હતું. સહભાગીઓને નશીલા પદાર્થોથી દૂર રહેવા તથા રમતગમત અને શારીરિક પ્રવૃત્તિઓ દ્વારા પોતાની ઊર્જાનો સકારાત્મક ઉપયોગ કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. વિવિધ પરંપરાગત રમતો અને ફિટનેસ પ્રવૃત્તિઓના વિજેતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આ પહેલના ઉદ્દેશ વિશે વાત કરતાં જિલ્લા યુવા અધિકારી આયુષે જણાવ્યું હતું, “અમે ઇચ્છીએ છીએ કે આપણો દેશ સંપૂર્ણપણે નશામુક્ત બને અને યુવાનો નશીલા પદાર્થોના સેવનથી દૂર રહે, જેથી વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરી શકાય. આ ઉદ્દેશ સાથે યુવાનોની ઊર્જાને યોગ્ય દિશામાં વાળવા માટે વિવિધ પહેલો હાથ ધરવામાં આવી રહી છે.”
કાર્યક્રમમાં MY Bharat ગુજરાતના રાજ્ય નિર્દેશક સચિન શર્મા, MY Bharatના ઉપનિર્દેશક શ્રી પંકજ યાદવ, MY Bharat ગુજરાતના સહાયક નિર્દેશક શ્રેયાંશ સિંહ, નવસારીનાં જિલ્લા યુવા અધિકારી સુશ્રી અમૃતા સુરાણા, પાટણનાં જિલ્લા યુવા અધિકારી સુશ્રી કાજલ સેહરાવત તથા જામનગરના જિલ્લા યુવા અધિકારી વિશાલ નાગરાલે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો સમાપન અતિથિઓ, આયોજકો, સ્વયંસેવકો અને સહભાગીઓ પ્રત્યે આભાર વ્યક્ત કરીને કરવામાં આવ્યો હતો. આ પહેલ દ્વારા રમતગમત અને ફિટનેસને યુવાનોની ઊર્જાને સકારાત્મક દિશા આપવા તથા નશામુક્ત સમાજના નિર્માણ માટેનાં મહત્વપૂર્ણ માધ્યમ તરીકે રજૂ કરવામાં આવ્યાં હતાં.
SAI ગાંધીનગર અને MY Bharatની આ સંયુક્ત પહેલ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના ઉદ્દેશોને આગળ ધપાવવાની સાથે ‘નશા મુક્ત યુવા, વિકસિત ભારત’ના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. આ કાર્યક્રમ યુવાનોને નશાથી દૂર રહી સ્વસ્થ, સક્રિય અને શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવવા તથા વર્ષ 2047 સુધીમાં વિકસિત અને નશામુક્ત ભારતના નિર્માણમાં યોગદાન આપવા પ્રેરિત કરે છે
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
