તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th August 2026
સાગબારાના જમીન આંદોલનને મળ્યો મોટો ટેકો: આદિવાસી ખેડૂતોના ધરણાં સ્થળે પહોંચ્યા સાંસદ, તંત્રને ચીમકી આપતાં કહ્યું- "હક્કપત્રક આપી પ્રશ્ન ઉકેલો"
વન વિભાગના વલણ સામે રોષ: દાયકાઓથી જમીન ખેડતા આદિવાસીઓને અન્યાય થતો હોવાનો આક્ષેપ; પ્રશ્નનો સકારાત્મક ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ તેજ બનવાના એંધાણ

રાજપીપળા/સાગબારા:નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી વિસ્તારમાં જંગલ જમીન અધિકાર મુદ્દે આદિવાસી ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવેલું આંદોલન હવે વધુ ઉગ્ર બની રહ્યું છે. ચોમાસાની ઋતુમાં પણ ખુલ્લા આકાશ નીચે ધરણાં પર બેઠેલા આદિવાસી ખેડૂતોની પડખે હવે સ્થાનિક સાંસદ મનસુખભાઈ વસાવા પણ આવીને ઊભા રહ્યા છે. સાંસદ મનસુખભાઈ વસાવાએ આંદોલન સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લઈને ખેડૂતોની વેદના સાંભળી હતી અને આદિવાસીઓના હક્ક માટે વન વિભાગ અને તંત્રની કામગીરી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
સાંસદે આંદોલનકારી ખેડૂતોની વેદના સાંભળી:
સાગબારાના ખોપી ખાતે પહોંચેલા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવાએ ધરણાં પર બેઠેલા પુરુષો અને મહિલાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, આદિવાસીઓ વર્ષો અને પેઢીઓથી આ જંગલ જમીન ખેડીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. 'ફોરેસ્ટ રાઈટ એક્ટ' (વન અધિકાર કાયદા) હેઠળ તેઓને કાયદેસરના હક્કપત્રક મળવા જોઈએ, પરંતુ તંત્ર અને વન વિભાગના અણઘડ વલણને કારણે ગરીબ આદિવાસીઓને પોતાના હક્ક માટે રસ્તા પર ઊતરવું પડ્યું છે.
તંત્ર અને વન વિભાગ સામે લાલ આંખ:
ખેડૂતોને સંબોધતા સાંસદ મનસુખભાઈ વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "જળ, જંગલ અને જમીન પર આદિવાસીઓનો પ્રાકૃતિક અધિકાર છે. વન વિભાગ દ્વારા આદિવાસી ખેડૂતોને હેરાન-પરેશાન કરવામાં આવે તે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં." આ સાથે જ તેઓએ વન વિભાગના અધિકારીઓને આદિવાસીઓ સાથે ઘર્ષણનો માર્ગ છોડીને સંવેદનશીલતાથી કાયદાકીય ઉકેલ લાવવા માટે તાકીદ કરી હતી.
મુખ્યમંત્રી અને સરકારમાં રજૂઆત કરવાની આપી ખાતરી:
સાંસદે આંદોલનકારીઓને આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે તેઓ આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી તેમજ સંબંધિત મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે સીધી વાતચીત કરશે. આદિવાસી ખેડૂતોને તેમની જમીનના કાયદેસરના હક્ક મળી રહે તે માટે સરકાર કક્ષાએથી ઝડપી નિર્ણય લેવડાવવાના પૂરતા પ્રયાસો કરવામાં આવશે. સાંસદના આ સમર્થન બાદ આંદોલનકારી ખેડૂતોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
