તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th August 2026
સાગબારા ખેડૂતોના ધરણાનો સુખદ અંત નજીક: સોમવારે મંત્રીઓની હાજરીમાં થશે પારણાં
આંદોલનના 23મા દિવસે ભાજપ, કોંગ્રેસ, બીટીપી અને આમ આદમી પાર્ટીના આદિવાસી નેતાઓ એક મંચ પર જોવા મળ્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:જંગલ જમીન ખેડાણના હક્ક સહિતના વિવિધ પ્રશ્નોને લઈને સાગબારા ખાતે ચાલી રહેલા ખેડૂતોના ધરણા પ્રદર્શનનો આજે 23મો દિવસ છે. આંદોલનના 23મા દિવસે ભાજપ, કોંગ્રેસ, બીટીપી અને આમ આદમી પાર્ટીના આદિવાસી નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા.
સાંસદ મનસુખભાઈ વસાવા, કોંગ્રેસના સંદીપ માંગરોલા, બીટીપી આગેવાન મહેશ વસાવા અને આપના ડો. દયારામ વસાવા સહિતના આગેવાનો ધરણા સ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન સાંસદ મનસુખભાઈ વસાવાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.
મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે સોમવારે સાગબારા-ખોપી ખાતે રાજ્ય વન મંત્રી પ્રવીણ માળી, આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશ પટેલ અને પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ આવી શકે છે. સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સહિત ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.
મંત્રીઓની હાજરીમાં લીલાબેન વસાવા સહિત ખેડૂતોના પારણાં કરાવી ધરણાનો અંત લાવવાની તૈયારી છે. ખેડૂતોના કેટલાક મહત્વના મુદ્દાઓ ઉમેરવા અંગે પણ મનસુખભાઈ વસાવાએ મંત્રીઓ સાથે વાત કરી હોવાનું જણાવ્યું હતું.
સાંસદે વધુમાં જણાવ્યું કે ખેડૂતોના પેન્ડિંગ દાવાઓને મંજૂર કરવાનો પાકો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં જેટલા પણ ખેડૂતોના દાવા પેન્ડિંગ છે, તેમને પણ પુરાવાના આધારે લાભ મળે તે અંગે સરકાર તરફથી વાત કરવામાં આવી છે. આ વાત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કરી હોવાનું મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું.
મનસુખભાઈ વસાવાએ લીલાબેન વસાવાને અભિનંદન પાઠવતા કહ્યું કે આ સમગ્ર આંદોલનનો યશ લીલાબેન વસાવા અને સાગબારાના ખેડૂતોને જાય છે. સાગબારાના ધરણાને કારણે અંદાજે 70 હજાર જેટલા ખેડૂતોને પુરાવાના આધારે લાભ મળી શકે છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.
સાંસદના આ નિવેદન બાદ સાગબારાના કેટલાક ખેડૂતોએ ખેડાણ શરૂ કરી દીધું છે. ખેડૂતોમાં પણ હવે આનંદની લાગણી જોવા મળી રહી છે.
લીલાબેન વસાવાએ જણાવ્યું હતું કે, “ખેડૂતોને ન્યાય મળે તો હું પારણાં કરવા તૈયાર છું.” પેન્ડિંગ દાવાઓની મંજૂરી અને સાગબારાના ખેડૂતોને ખેડાણ કરવાની મંજૂરી આપવાની શરતે તેઓ સોમવારે પારણાં કરવા તૈયાર થયા છે. આ નિર્ણય માટે લીલાબેન વસાવાએ સાંસદ મનસુખ વસાવાનો આભાર માન્યો હતો.
આમ, 8 ઓગસ્ટથી સતત ધરણા પર બેઠેલા લીલાબેન વસાવા અને ખેડૂતોના આંદોલનનો સોમવારે મંત્રીઓની હાજરીમાં સુખદ અંત આવે તેવી શક્યતા છે. મંત્રીઓ લીલાબેન વસાવા સહિત ખેડૂતોના પારણાં કરાવી આંદોલનનો અંત લાવશે.
સાગબારા ખેડૂતોના આંદોલનને લઈને સરકારના નિર્ણયથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. સાથે જ આ નિર્ણયથી ભાજપને નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં મોટો રાજકીય ફાયદો થઈ શકે તેવી ચર્ચા પણ શરૂ થઈ છે.
(9:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
