<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

નવસારીમાં ઉત્સવની ઘેલછામાં સલામતી જોખમાઈ: JCBથી ઉડાડ્યો ૧૧,૦૦૦ કિલો ગુલાલ, રસ્તા લપસણા બનતા વાહનો સ્લિપ થયા!

મોજ-મસ્તીના નામે યુવાનોએ મર્યાદા વટાવી, અકસ્માતનો ખતરો ઊભો થતાં નગરસેવક અને વડીલોએ જાતે પાવડા પકડીને સડક સાફ કરી

નવસારી : નવસારી જિલ્લાના વિજલપોર વિસ્તારમાં ગણેશ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન ઉત્સાહ અને મોજ-મસ્તીના નામે ભારે અતિરેક થવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિજલપોર સ્થિત અંબાજી નગર ખાતે 'શિવરાણા ક્ષત્રિય ગ્રુપ'ના યુવાનો દ્વારા ડીજેના તાલે ગણેશ ઉત્સવની ઉજવણી દરમિયાન જેસીબી (JCB) મશીનની મદદથી હવામાં અધધધ ૧૧,૦૦૦ કિલો ગુલાલ ઉડાડવામાં આવ્યો હતો. આ પ્રકારના આક્રમક પ્રદર્શનને કારણે સમગ્ર વિસ્તાર ગુલાબી રંગથી રંગાઈ ગયો હતો, પરંતુ તેની પાછળ સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

 

જેસીબી દ્વારા સતત ગુલાલનો છંટકાવ કરાતાં સમગ્ર મુખ્ય માર્ગ પર ગુલાલના જાડા થર જામી ગયા હતા. ડામરના રસ્તા પર પાવડર અને ગુલાલનો થર જામી જતાં માર્ગ અત્યંત લપસણો (સ્લિપરી) બની ગયો હતો, જેના કારણે ત્યાંથી પસાર થતાં અનેક દ્વિચક્રી વાહનો સ્કીડ થવા લાગ્યા હતા. ક્ષણિક શો-ઓફ અને મનોરંજન માટે ઉડાડાયેલા ૧૧,૦૦૦ કિલો ગુલાલથી પર્યાવરણ અને હવાના પ્રદૂષણ સામે પણ ગંભીર સવાલો ઊભા થયા હતા. યુવાનોની આ હરકતથી તેમની સિવિક સેન્સ અને જાહેર જવાબદારી પ્રત્યેની બેદરકારી અંગે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

 

સ્થિતિ સુધારવા નગરસેવક અને વડીલો પાવડા લઈને રોડ પર ઉતર્યા

 

યુવાનો દ્વારા ઊભી કરાયેલી આ જોખમી સ્થિતિને પહોંચી વળવા માટે અંતે સ્થાનિક આગેવાનોએ આગળ આવવું પડ્યું હતું. બીજા દિવસે સવારે વિજલપોરના વોર્ડ નંબર ૧૦ ના સજાગ નગરસેવક સુનિલ પાટીલ તેમજ ક્ષત્રિય સમાજના વડીલ આગેવાનો જાતે રસ્તા પર ઉતરી આવ્યા હતા. કોઈ સફાઈ કર્મચારીની રાહ જોયા વિના તેમણે પોતે પાવડા હાથમાં લઈ રોડ પર જામી ગયેલા ગુલાલના થર હટાવીને રસ્તો વાહનવ્યવહાર માટે સુરક્ષિત બનાવ્યો હતો. સ્થાનિક નેતાઓ અને વડીલોની આ સરાહનીય કામગીરીની સમગ્ર નવસારીમાં પ્રશંસા થઈ રહી છે.

(7:01 PM IST)