News of Wednesday, 8th July 2026
આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી એએફપીના જાણીતા સિનિયર ફોટો જર્નાલિસ્ટ સામ પંથકીનું દુઃખદ નિધન
કચ્છ ધરતીકંપ અને અક્ષરધામ હુમલા સહિતની અનેક ઐતિહાસિક ઘટનાઓને કેમેરામાં કંડારનાર સાહસિક તસવીરકારે લીધી વિદાય

અમદાવાદઃ ગુજરાતના પત્રકારત્વ જગત અને ફોટો જર્નાલિઝમના ક્ષેત્રમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી ‘એજન્સી ફ્રાન્સ પ્રેસ'(એએફપી) સહિત દેશ-વિદેશના પ્રતિષ્ઠિત મીડિયા હાઉસીસ સાથે લાંબો સમય કામ કરનાર વરિષ્ઠ અને અત્યંત સાહસિક ફોટો જર્નાલિસ્ટ સામ નરીમાન પંથકી (સામભાઈ)નું ટાઈફોડની ટૂંકી માંદગીમાં દુઃખદ અવસાન થયું છે.
૨ જાન્યુઆરી ૧૯૬૦ના રોજ જન્મેલા સામ પંથકી ગુજરાતના અખબારી જગતમાં એક નીડર, સક્રિય અને પ્રતિભાશાળી તસવીરકાર તરીકે આદરભર્યું સ્થાન ધરાવતા હતા. તેમના આકસ્મિક નિધનને પગલે મીડિયા જગતમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
ફ્રીલાન્સરથી શરૂ કરીને આંતરરાષ્ટ્રીય એજન્સી સુધીની સફરઃ
સામ પંથકીએ પોતાની ન્યૂઝ ફોટોગ્રાફીની કારકિર્દીની શરૂઆત એક ફ્રીલાન્સર તરીકે ‘જનસત્તા' અને ‘ઇન્ડિયન એક્સપ્રેસ' જેવા અગ્રણી અખબારોથી કરી હતી. ત્યારબાદ તેમણે ‘ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' સાથે અંદાજે એક દાયકા સુધી કામ કરીને પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. આ ઉપરાંત તેમણે ‘મુંબઈ સમાચાર', ‘દિવ્ય ભાસ્કર' અને ઇન્ડિયા ટુડે ગ્રુપના ‘સિમ્પલી ગુજરાતી' જેવા નામાંકિત પ્રકાશનો માટે પણ નોંધપાત્ર કામગીરી કરી હતી. સપ્ટેમ્બર ૨૦૦૬થી તેઓ વૈશ્વિક ન્યૂઝ એજન્સી ‘એજન્સી ફ્રાન્સ પ્રેસ' (એએફપી) સાથે સ્ટ્રિંગર તરીકે જોડાયા હતા અને વૈશ્વિક સ્તરે પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો.
કચ્છ ધરતીકંપ અને અક્ષરધામ હુમલાનું સાહસિક કવરેજઃ
સામભાઈ માત્ર રૂટિન ફોટોગ્રાફી પૂરતા સીમિત નહોતા, પરંતુ તેઓ હંમેશાં પડકારજનક અને જોખમી અસાઇનમેન્ટ્સ માટે તૈયાર રહેતા હતા. વર્ષ ૨૦૦૧ના વિનાશક કચ્છ ધરતીકંપ વખતે તેઓ પોતાની મોટરસાયકલ લઈને લિટલ રન ઓફ કચ્છના દુર્ગમ વિસ્તારો ખૂંદી વળ્યા હતા. આ આફત દરમિયાન અંદાજે ૫૦૦ મીટરની ઊંડાઈમાંથી નીકળેલા ફ્લાય-એશ જેવા પદાર્થો અને પથ્થરોને કારણે સર્જાયેલા એક વિશાળ ખાડા (ક્રેડર)ને શોધનારા અને તેની તસવીરો દુનિયા સમક્ષ લાવનારા તેઓ પ્રથમ ફોટોગ્રાફર બન્યા હતા.
આ ઉપરાંત ગાંધીનગર અક્ષરધામ મંદિર પર થયેલા આતંકવાદી હુમલા બાદની સ્થિતિ અને રાજ્યના વિવિધ તોફાનો-રમખાણો વખતે જીવના જોખમે તેમણે કરેલું કવરેજ આજે પણ યાદ કરવામાં આવે છે.
પૂર હોનારત અને સરહદી કવરેજ દરમિયાન અડગ જુસ્સોઃ
તેઓ મોટરસાયકલ પર જ આખા ક્ષેત્રમાં ભ્રમણ કરવા માટે જાણીતા હતા. સંરક્ષણ વિભાગના અધિકારીઓ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ નજીક થતી લશ્કરી કવાયતો (ડિફેન્સ એક્સરસાઇઝીસ) હોય કે પછી ગુજરાત અને રાજસ્થાનના પૂરની સ્થિતિ, તેઓ હંમેશાં રેસ્કયુ ટીમની સાથે મોરચે તૈનાત રહેતા હતા. ૩૧ જુલાઈ ૨૦૦૬ના રોજ આણંદ જિલ્લાના ગાણોલ ગામે પૂર રાહતની બચાવ કામગીરી દરમિયાન તેઓ જે બોટમાં હતા તે પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં તેમણે પોતાની આખેઆખી મોંઘી કેમેરા કીટ ગુમાવી દીધી હતી, પરંતુ આવી કપરી પરિસ્થિતિમાં પણ તેમનો પત્રકારત્વ પ્રત્યેનો જુસ્સો કયારેય ડગ્યો નહોતો.
વૈશ્વિક હસ્તીઓને કેમેરામાં કેદ કરીઃ
પોતાની સુદીર્ઘ કારકિર્દી દરમિયાન તેમણે અનેક આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય મહાનુભાવોની યાદગાર તસવીરો ઝડપી હતી. જેમાં અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન, થાઈલેન્ડના રાજકુમારી મહા ચક્રી સિરિંધોર્ન અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના તત્કાલીન સીઈઓ માલ્કમ સ્પીડ જેવી હસ્તીઓનો સમાવેશ થાય છે.
અમદાવાદના ખાનપુર વિસ્તારમાં રહેતા સામ પંથકીના નિધનથી ગુજરાતના મીડિયા જગતે એક સાચો અને જીવંત ગ્રાઉન્ડ રિપોર્ટર-તસવીરકાર ગુમાવ્યો છે. સિનિયર પત્રકારો, સાથી ફોટોગ્રાફરો અને અખબારી જગતના અગ્રણીઓએ તેમના નિધન પર ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે.
અકિલા પરિવારે બે મિનિટ મૌન પાળી સદગતને શ્રદ્ધાંજલિ અપીઃ
અકિલા પરિવાર સાથે તેમનો વર્ષોથી પારિવારિક જ્તોન રહ્યો હતો. અકિલા પરિવારના મોભી કિરીટભાઈ ગણાત્રા, અજીતભાઈ ગણાત્રા, નિમીષભાઈ ગણાત્રા અને અકિલા પરિવારે બે મિનિટ મોન પાળી સદગતને શ્રદ્ધાંજલિ આપી હતી
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
