<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

સોૈરાષ્‍ટ્ર યુનિવર્સીટીના પૂર્વ કુલપતિ ડો.કનુભાઇ માવાણીનું દુઃખદ અવસાન

સુરતના પૂર્વ ધારાસભ્‍ય અને પૂર્વ મેયર લોકપ્રિય નેતા કનુભાઇ માવાણીની સવારે સુરતથી નીકળેલી અંતિમયાત્રામાં વિવિધ ક્ષેત્રના આગેવાનો જોડાયા

રાજકોટ તા.૯: સુરત શહેરના પૂર્વ મેયર, પૂર્વ ધારાસભ્‍ય અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. કનુભાઈ માવાણીનું નિધન થયું છે. સામાજિક સેવા અને શિક્ષણ ક્ષેત્રે તેમનું અમૂલ્‍ય યોગદાન આવનારી પેઢીઓ માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે. તેમના નિધન પર રાજકીય નેતાઓ, સામાજિક અગ્રણીઓ અને શિક્ષણ જગતના લોકોએ ઘેરા શોકની લાગણી વ્‍યક્‍ત કરી છે. સુરત ખાતેથી નીકળેલી અંતિમયાત્રામાં વિવિધ ક્ષેત્રના આગેવાનો જોડાયા હતા.

ડો. કનુભાઈ માવાણી માત્ર એક રાજકારણી નહોતા, પરંતુ એક એવા વિઝનરી વ્‍યક્‍તિ હતા જેમણે સુરતના વિકાસમાં અને રાજ્‍યના શિક્ષણ માળખાને મજબૂત બનાવવામાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી. તેઓ એક આયુર્વેદિક ડોક્‍ટર (પ્રિન્‍સિપાલ, આયુર્વેદિક કોલેજ) તરીકે કારકિર્દી શરૂ કરીને જાહેર જીવનમાં ઉચ્‍ચ શિખરો સર કર્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન સુરતના વહીવટી માળખામાં અનેક સુધારા કરવામાં આવ્‍યા હતા. તેમણે ધારાસભ્‍ય તરીકે સુરતની જનતાના પ્રશ્નોને વિધાનસભામાં મજબૂતીથી વાચા આપી હતી. શિક્ષણ ક્ષેત્રે તેમના જ્ઞાન અને અનુભવને કારણે તેમને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકેની જવાબદારી સોંપાઈ હતી, જ્‍યાં તેમણે શૈક્ષણિક ગુણવત્તા વધારવા અનેક પ્રયાસો કર્યા હતા. ડો.કનુભાઇ માવાણીએ આર્થિક અને શૈક્ષણિક સ્‍તરે ખાડે ગયેલી સોૈરાષ્‍ટ્ર યુનિવર્સીટીને માત્ર રાજકોટ સોૈરાષ્‍ટ્ર ગુજરાત જ નહી દેશભરમાં મોખરાનું સ્‍થાન અપાવ્‍યુ છે. ડો.કનુભાઇ માવાણીના કાર્યકાળમાં સોૈરાષ્‍ટ્ર યુનિવર્સીટીએ ફોર સ્‍ટાર પ્રાપ્‍ત કરેલ. સોૈરાષ્‍ટ્ર યુનિવર્સીટીમાં ડો.કનુભાઇ માવાણીના કાર્યકાળમાં બનેલ બીલ્‍ડીંગ રોડ અને ભવનો હજુ અડીખમ છે. પરંતુ છેલ્લા ૮ કે ૧૦ વર્ષમાં બનેલા રસ્‍તાઓનું આયુષ્‍ય ખુબ ટુકુ રહયુ છે. પૂર્વ કુલપતિ ડો.કનુભાઇ માવાણી કાર્યદક્ષ, પ્રમાણીક અને નીડર વ્‍યકિતત્‍વની પ્રતિભા શિક્ષણવિદોમાં છોડી ગયા છે. તેઓ શ્રી સ્‍વામી આત્‍માનંદ સરસ્‍વતી શિક્ષણ સંસ્‍થાન ( SSASIT) જેવી પ્રતિષ્ઠિત સંસ્‍થાઓ સાથે ટ્રસ્‍ટી તરીકે જોડાયેલા હતા. વરાછા અને આસપાસના વિસ્‍તારોમાં પાટીદાર સમાજ અને અન્‍ય સમાજોના ઉત્‍થાન માટે તેમણે શૈક્ષણિક સંસ્‍થાઓના નિર્માણમાં પાયાની ભૂમિકા ભજવી હતી. તાપી ડિપ્‍લોમા એન્‍જિનિયરિંગ કોલેજ જેવી સંસ્‍થાઓમાં તેમના માર્ગદર્શન હેઠળ હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્‍ય ઘડાયુ છે. મેયર તરીકેના સમયમાં તેમણે શહેરના ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને જાહેર સુવિધાઓ પર વિશેષ ભાર મૂકયો હતો.

 સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં તેમના સમયમાં વહીવટી પારદર્શિતા અને વિદ્યાર્થીલક્ષી નિર્ણયો લેવાયા હતા. મૂળ વ્‍યવસાયે ડોક્‍ટર હોવાથી તેમણે આયુર્વેદિક શિક્ષણ અને ચિકિત્‍સા પદ્ધતિને પ્રોત્‍સાહન આપ્‍યું હતું.

(11:52 AM IST)