News of Thursday, 28th May 2026
કડીમાં તાલુકા પંચાયત નજીક સેફાલી સર્કલ પાસે સાબરમતી ગેસની પાઇપલાઇન લીકેજ થતાં આગ ફાટી નીકળી:બે શ્રમિકો દાઝી ગયા
તાલુકા પંચાયત બહાર સેફાલી સર્કલ નજીક પાણીની મુખ્ય પાઇપલાઇનમાં લીકેજ થતા UGVCL, સાબરમતી ગેસ અને કડી નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે રિપેરિંગ કામગીરી ચાલતી હતી ત્યારે અચાનક ગેસ પાઇપલાઇનમાં પંચર પડ્યું

કડીમાં તાલુકા પંચાયત નજીક સેફાલી સર્કલ પાસે રિપેરિંગ કામગીરી દરમિયાન સાબરમતી ગેસની પાઇપલાઇન લીકેજ થતાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં બે શ્રમિકો દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે બપોરે તાલુકા પંચાયત બહાર સેફાલી સર્કલ નજીક પાણીની મુખ્ય પાઇપલાઇનમાં લીકેજ થયું હતું. આથી UGVCL, સાબરમતી ગેસ અને કડી નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે રિપેરિંગ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ગુરુવારે પણ આ સમારકામ ચાલુ હતું, તે દરમિયાન અચાનક સાબરમતી ગેસની પાઇપલાઇન પંચર થઈ ગઈ હતી. પરિણામે ત્યાં તીવ્ર આગ ભભૂકી ઉઠી હતી.
આગની તીવ્રતાને કારણે નજીકમાં ઉભેલું એક જેસીબી મશીન, એક વૃક્ષ અને UGVCLની વીજ ડીપી પણ તેની ચપેટમાં આવી ગયા હતા. આ ઘટનાથી આસપાસના દુકાનદારો અને રાહદારીઓમાં ગભરાટ ફેલાયો હતો.
ઘટનાની જાણ થતાં જ કડી નગરપાલિકા અને પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. કડી નગરપાલિકાના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, સ્થાનિક કોર્પોરેટરો અને અગ્રણીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.
પોલીસે પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે ઘટનાસ્થળની બંને બાજુના રસ્તાઓ બંધ કરીને વાહનવ્યવહારને વૈકલ્પિક માર્ગે વાળ્યો હતો.
કડી નગરપાલિકાના ત્રણ ફાયર ફાઇટરોની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. ગેસ પુરવઠો બંધ કરાવ્યા બાદ ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
