તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
અમદાવાદમાં સામાન્ય સ્પેલિંગની ભૂલ બદલ નિર્દયી શિક્ષકે માસુમ વિદ્યાર્થીને લાકડીથી બેરહેમીથી માર માર્યો: ધરપકડ
ઇસનપુર વિસ્તારમાં આવેલી 'કેરિયર એક્સપ્રેસ ડિફેન્ટ એકેડમી'માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પાસે સ્પેલિંગ લખવામાં સામાન્ય ભૂલ થઈ ગઈ હતી.

અમદાવાદ શહેરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, સામાન્ય સ્પેલિંગની ભૂલ બદલ એક નિર્દયી શિક્ષકે વિદ્યાર્થીને લાકડી વડે બેરહેમ માર માર્યો હતો આ કથિત ઘટના અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવેલી એક ખાનગી એકેડમીમાં ઘટી છે. પીડિત વિદ્યાર્થીના પરિવારની ફરિયાદના આધારે ઇસનપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે.
મળતી વિગતો અનુસાર, ઇસનપુર વિસ્તારમાં આવેલી 'કેરિયર એક્સપ્રેસ ડિફેન્ટ એકેડમી'માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પાસે સ્પેલિંગ લખવામાં સામાન્ય ભૂલ થઈ ગઈ હતી.
આ નાની બાબત પર ઉશ્કેરાઈને એકેડમીના શિક્ષક હર્ષ ચૌધરીએ કાયદા અને માનવતાના લીરેલીરા ઉડાડી દીધા હતા. શિક્ષકે વિદ્યાર્થીને લાકડીના સપાટા વડે માર મારવાનું શરૂ કરી દીધું હતું, જેના કારણે માસૂમ વિદ્યાર્થીને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ગભરાયેલા વિદ્યાર્થીએ ઘરે જઈને પરિવારજનોને આપવીતી જણાવતા મામલો ગરમાયો હતો. બાળકની પીઠ અને શરીર પર લાકડીના સોળ જોઈને પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. ઇસનપુર પોલીસે ગુનો નોંધીને ત્વરિત પગલાં ભર્યા છે અને આરોપી શિક્ષક હર્ષ ચૌધરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસ હવે આ એકેડમીના સંચાલકો અને અન્ય પાસાઓ પર વધુ તપાસ ચલાવી રહી છે.
(12:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
