તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
સૌરાષ્ટ્ર તરફ જનારા પ્રવાસીઓનો ધસારો! ખાનગી ટ્રાવેલ્સે વધાર્યા ભાડા
કેટલાક રૂટ પર ખાનગી ટ્રાવેલ્સનું ભાડું એસટી બસની સરખામણીએ દોઢથી બે ગણું કે તેનાથી પણ વધુ વસૂલાતું હોવાનો પ્રવાસીઓનો અનુભવ

અમદાવાદ, તા.૩: સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમ અને જન્માષ્ટમીના પર્વને લઈને મેળાની મોસમ ખીલી ઉઠી છે. સૌરાષ્ટ્રના વિવિધ શહેરો અને ધાર્મિક સ્થળોએ યોજાતા મેળાઓનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. પ્રવાસીઓના વધતા ધસારાને કારણે બસો અને ખાનગી ટ્રાવેલ્સમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. બીજી તરફ, મુસાફરોના ધસારાનો લાભ ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો લઈ રહ્યા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. પ્રવાસીઓના જણાવ્યા પ્રમાણે, કેટલાક રૂટ પર ખાનગી ટ્રાવેલ્સનું ભાડું એસટી બસની સરખામણીએ દોઢથી બે ગણું કે તેનાથી પણ વધુ વસૂલાતું હોવાનો અનુભવ થઈ રહ્યો છે. જોકે, ભાડામાં વધારો થયો હોવા છતાં સૌરાષ્ટ્ર તરફ જવાનો પ્રવાસીઓનો ઉત્સાહ ઓછો થયો નથી.
મેળાની મોસમ ખીલી, સૌરાષ્ટ્ર તરફ પ્રવાસીઓનો ભારે ધસારોઃ સાતમ-આઠમ અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ પરંપરાગત મેળાઓનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને અમરેલી, રાજકોટ, જામનગર, દ્વારકા અને પોરબંદર સહિતના શહેરો અને ધાર્મિક સ્થળોએ મેળાની રોનક જોવા મળી રહી છે. તહેવારોની રજાઓમાં પરિવાર સાથે ફરવા જવા ઇચ્છતા લોકો તેમજ ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર તરફ વળ્યા છે. જેના કારણે એસટી બસ સ્ટેન્ડ અને ખાનગી ટ્રાવેલ્સના પિકઅપ પોઇન્ટ પર પણ મુસાફરોની સંખ્યા વધી છે. ઘણા લોકો અગાઉથી બસ કે ટ્રાવેલ્સનું બુકિંગ કરાવી રહ્યા છે, જ્યારે છેલ્લી ઘડીએ મુસાફરી કરનારા લોકોને ટિકિટ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. પ્રવાસીઓનો ધસારો વધતાં ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા રૂટ પ્રમાણે ભાડામાં વધારો કરવામાં આવ્યો હોવાની વાત પણ સામે આવી રહી છે. પ્રવાસીઓનું કહેવું છે કે તહેવાર હોવાથી મુસાફરી કરવી જરૂરી છે, પરંતુ વધેલા ભાડાના કારણે પરિવાર સાથે મુસાફરી કરનારાઓના બજેટ પર વધારાનો બોજ પડી રહ્યો છે.
એસટીની સરખામણીએ ખાનગી ટ્રાવેલ્સનું ભાડું કેટલું?: મળતી માહિતી મુજબ, વિવિધ સૌરાષ્ટ્ર રૂટ પર ખાનગી ટ્રાવેલ્સ અને એસટી બસના ભાડામાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. અમરેલી રૂટ પર ખાનગી ટ્રાવેલ્સનું હાલનું ભાડું આશરે રૂ.૮૦૦થી રૂ.૧,૧૦૯ સુધી હોવાનું જણાવાઈ રહ્યું છે, જ્યારે એસટીનું ભાડું રૂ.૨૧૪થી રૂ.૪૫૨ સુધી છે. રાજકોટ માટે ખાનગી ટ્રાવેલ્સમાં રૂ.૫૦૦થી રૂ.૬૦૦, જ્યારે એસટીમાં રૂ.૧૯૧થી રૂ.૫૪૭ સુધીનું ભાડું જણાવાયું છે. જામનગર માટે ખાનગી ટ્રાવેલ્સનું ભાડું રૂ.૬૦૦થી રૂ.૧,૩૦૦, જ્યારે એસટીનું ભાડું રૂ.૨૩૯થી રૂ.૭૯૯ સુધી છે. દ્વારકા જવા માટે ખાનગી ટ્રાવેલ્સમાં રૂ.૭૦૦થી રૂ.૧,૩૦૦, જ્યારે એસટીમાં રૂ.૩૧૨થી રૂ.૧,૧૮૨ સુધીનું ભાડું હોવાનું જણાવાયું છે. જ્યારે પોરબંદર માટે ખાનગી ટ્રાવેલ્સનું ભાડું રૂ.૮૫૦થી રૂ.૧,૧૦૦ અને એસટીનું ભાડું રૂ.૨૮૭થી રૂ.૪૨૭ સુધી હોવાનું સામે આવ્યું છે. જોકે, ભાડું બસના પ્રકાર, સીટ, રૂટ, સમય અને બુકિંગની સ્થિતિ પ્રમાણે બદલાઈ શકે છે. આ આંકડાઓ પ્રવાસીઓ દ્વારા જણાવવામાં આવેલા હાલના ભાડાના આધારે છે.
ભાડું વધ્યું છતાં પ્રવાસીઓનો ઉત્સાહ યથાવત, તંત્ર માટે પણ પડકારઃ તહેવારો દરમિયાન મુસાફરોની સંખ્યા અચાનક વધી જતી હોવાથી જાહેર પરિવહન વ્યવસ્થા સામે પણ મોટો પડકાર ઊભો થાય છે. એક તરફ એસટી બસમાં ઓછા ભાડે મુસાફરીનો વિકલ્પ ઉપલબ્ધ છે, પરંતુ બીજી તરફ બસની ઉપલબ્ધતા અને ભીડને કારણે કેટલાક મુસાફરો ખાનગી ટ્રાવેલ્સ તરફ વળે છે. આ સ્થિતિમાં ખાનગી ટ્રાવેલ્સનું વધેલું ભાડું તેમના માટે મજબૂરી બની શકે છે. પ્રવાસીઓનું કહેવું છે કે તહેવારો દરમિયાન વધતી માંગનો લાભ લઈને જો મનસ્વી રીતે ભાડું વસૂલવામાં આવતું હોય તો તેના પર યોગ્ય દેખરેખ જરૂરી છે. સાથે જ એસટી તંત્ર દ્વારા પણ મેળાના દિવસોમાં વધારાની બસો દોડાવવામાં આવે તો મુસાફરોને રાહત મળી શકે છે. ખાસ કરીને દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી અને પોરબંદર જેવા રૂટ પર મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આગોતરું આયોજન જરૂરી છે. હાલ ભાડામાં વધારો હોવા છતાં સૌરાષ્ટ્રના મેળાઓ અને જન્માષ્ટમીની ઉજવણીનો ઉત્સાહ લોકોમાં યથાવત છે. હવે જોવાનું એ રહેશે કે તહેવારો દરમિયાન મુસાફરોની વધતી માંગ વચ્ચે ખાનગી ટ્રાવેલ્સના ભાડા પર કોઈ નિયંત્રણ કે દેખરેખ રાખવામાં આવે છે કે નહીં અને એસટી તંત્ર પ્રવાસીઓની સુવિધા માટે કેટલી વધારાની બસો દોડાવે છે.(૨૩.૧૭)
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
