તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th October 2026
ભરૂચમાં 'પોપી ટી'ની અફવાએ મચાવી હડકંપ: રજવાડી ચાનો સંચાલક ૯૬ ગ્રામ અફીણ સાથે ઝડપાયો
રાજસ્થાનના યુવકે પોતાની લત માટે છુપાવ્યું હતું માદક પદાર્થ, એસઓજીના દરોડા બાદ સત્ય બહાર આવતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચ : ભરૂચ શહેરમાં ચામાં અફીણ ભેળવીને વેચવામાં આવતું હોવાની અફવાએ આખો દિવસ ભારે ચર્ચા જગાવી હતી અને લોકોમાં ચિંતાનું મોજું ફેલાઈ ગયું હતું. જોકે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે તાત્કાલિક તપાસ કરીને આ તમામ વાતોને અફવા સાબિત કરી દીધી છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે જંબુસર બાયપાસ ચોકડી પાસે આવેલી રજવાડી ચાની ફ્રેન્ચાઈઝીનો માલિક પોતે જ અફીણનો બંધાણી હતો અને પોતાની અંગત લત માટે તેણે આ માદક પદાર્થ સાચવી રાખ્યો હતો.
ઘટનાની વિગતવાર માહિતી મુજબ, ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડી પાસે આવેલા મોહમદી કોમ્પ્લેક્ષમાં ચાલતી રજવાડી ચાની ફ્રેન્ચાઈઝીના સંચાલક નરેશ તાજેત પાટીદાર (મૂળ રહે. રાજસ્થાન) અફીણનો જથ્થો રાખી રહ્યો હોવાની ચોક્કસ બાતમી એસઓજી ટીમને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દુકાનની ઉપરના ભાગે આવેલા રૂમ પર દરોડો પાડીને તલાશી લીધી હતી, જ્યાંથી ૪૮ હજાર રૂપિયાની કિંમતનું કુલ ૯૬ ગ્રામ અફીણ મળી આવ્યું હતું. પોલીસે આરોપીની અટકાયત કરીને પૂછપરછ કરતાં તેણે સ્વીકાર્યું હતું કે તે લાંબા સમયથી અફીણનો બંધાણી છે અને આ જથ્થો તે પોતાના અંગત ઉપયોગ માટે લાવ્યો હતો.
આ બનાવને લઈને સોશિયલ મીડિયા અને શહેરમાં 'પોપી ટી' (અફીણવાળી ચા) વેચાતી હોવાની અફવા વાયુવેગે પ્રસરી ગઈ હતી, જેના કારણે ચાના શોખીનોમાં ભારે અફરાતફરી અને ગભરાટ ફેલાયો હતો. પરંતુ SOG ની સમયસૂચકતા અને સ્પષ્ટતાથી સ્પષ્ટ થઈ ગયું કે દુકાન દ્વારા ગ્રાહકોને અફીણવાળી ચા પીવડાવવામાં આવતી નહોતી, પરંતુ સંચાલક પોતે જ નશાનો બંધાણી હતો. અફવા ખોટી સાબિત થતાં સામાન્ય જનતા અને ચાના રસિકોએ હાશકારો અનુભવ્યો છે.
આ અગાઉ પણ ડ્રગ્સ અને માદક પદાર્થોના ગેરકાયદે વેચાણ તથા સેવન સામે પોલીસ દ્વારા સમયાંતરે સઘન ચેકિંગ અને ડ્રાઈવ ચલાવવામાં આવતી હોય છે. હાલ પોલીસ દ્વારા આરોપી નરેશ પાટીદાર આટલી મોટી માત્રામાં અફીણ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહી છે, તેમજ કાયદેસરની કડક કાર્યવાહી કરવાની તજવીજ ચાલી રહી છે.
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
