<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

નડિયાદમાં વહેલી સવારે 5 વાગ્યે RTO નું સરપ્રાઈઝ ચેકિંગ, લાકડાં ભરેલા 35 ટ્રેક્ટરો ઝડપાયા, લાખોનો દંડ વસૂલાયો

વન વિભાગ અને મામલતદાર બાદ હવે RTO એક્શન મોડમાં: મંજીપુરા-કમળા રિંગરોડ પર સંતરામ વે બ્રિજ પાસે કાર્યવાહી, ઓવરલોડ અને રિફ્લેક્ટર વગરના વાહનો સામે દંડ

ખેડા તા.૩૧ : જિલ્લામાં ગેરકાયદેસર વૃક્ષ છેદન અને લાકડાના વેપારને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. વન વિભાગ અને મામલતદારની તપાસ બાદ હવે RTO વિભાગ પણ એક્શન મોડમાં આવ્યું છે.

 

નડિયાદના મંજીપુરા-કમળા રિંગરોડ પર આવેલા સંતરામ વે બ્રિજ નજીક શનિવારે વહેલી સવારે લગભગ 5 વાગ્યે RTO અધિકારીઓએ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન લાકડાં ભરેલા આશરે 30 થી 35 ટ્રેક્ટરો ઝડપાયા હતા અને અંદાજે રૂ. 2 થી 2.5 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

 

તપાસમાં સામે આવ્યું છે કે પંચમહાલ, દાહોદ સહિતના વિસ્તારોમાંથી દરરોજ સેંકડો ટ્રેક્ટરોમાં લાકડાં નડિયાદના કમળા વિસ્તારમાં લાવવામાં આવે છે અને વહેલી સવારે ખુલ્લા મેદાનમાં તેની હરાજી થાય છે. RTO ચેકિંગ દરમિયાન ઘણા ટ્રેક્ટરોમાં ક્ષમતા કરતાં વધુ લાકડાં ભરેલા હતા, કેટલાકમાં લાંબા લાકડાં બહાર લટકતા હતા, જે અકસ્માતનું જોખમ વધારતા હતા. ઉપરાંત ઘણા વાહનોમાં વીમા પોલિસી પૂરી થઈ ગઈ હોવાનું, ટ્રોલી પાછળ રિફ્લેક્ટર, રેડિયમ સ્ટીકર અને લાઈટ ન હોવાનું પણ સામે આવ્યું છે.

 

અગાઉ વન કર્મચારીઓની હડતાળનો લાભ લઈ પાસ-પરમિટ વિના લાકડાનો વેપાર થતો હોવાના આક્ષેપો થયા હતા. હવે RTO ની કાર્યવાહીથી ટ્રેક્ટર ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

(4:40 PM IST)