તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Thursday, 16th April 2026
દાદરા નગર હવેલીમાં વાહનોના પાસિંગમાં ગેરરીતિ મામલે RTO ઓફિસરના 5 દિવસના રિમાન્ડ મંજુર
CBI દ્વારા આરટીઓ ઓફિસર બિપીન પવાર અને એક ખાનગી એજન્ટની ધરપકડ: તપાસ એજન્સી દ્વારા બંને આરોપીઓને સેલવાસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા

દમણ અને દાદરા નગર હવેલી જેવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહીવટી પારદર્શિતા પર સવાલો ઉભા કરતા એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. વાહનોના પાસિંગ અને રજીસ્ટ્રેશનમાં ચાલતી ગેરરીતિઓના ગંભીર આરોપો હેઠળ CBI દ્વારા આરટીઓ ઓફિસર બિપીન પવાર અને એક ખાનગી એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાએ સમગ્ર પ્રદેશના સરકારી તંત્રમાં ફફડાટ મચાવી દીધો છે.
તાજેતરમાં દમણ અને દાદરા નગર હવેલીના RTO વિભાગમાં CBI દ્વારા ઓચિંતી રેડ પાડવામાં આવી હતી. આ તપાસ દરમિયાન વાહનોના પાસિંગમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાના પુરાવા મળ્યા હતા. જેને પગલે પ્રદેશના જાણીતા RTO ઓફિસર બિપીન પવાર અને તેમની સાથે મિલીભગત ધરાવતા RTO એજન્ટ મુકુંદની ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સી દ્વારા બંને આરોપીઓને સેલવાસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે બિપીન પવારના 5 દિવસના રિમાન્ડ અને એજન્ટ મુકુંદના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
પ્રાથમિક તપાસ મુજબ, આ કૌભાંડ મુખ્યત્વે મોટા કોમર્શિયલ વાહનો સાથે જોડાયેલું છે. જેમાં આંતરરાજ્ય પરમિટ અને રજીસ્ટ્રેશનમાં નિયમોને નેવે મૂકીને મનસ્વી રીતે કામગીરી કરવામાં આવતી હતી. ભારે માલવાહક વાહનોના પાસિંગ અને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હતો. RTO ઓફિસર અને ખાનગી એજન્ટોની સાંઠગાંઠ દ્વારા વહીવટી પ્રક્રિયાને બાયપાસ કરીને ગેરકાયદેસર નાણાંની ઉઘરાણી કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે.
CBI હાલમાં આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી શકે તેમ છે. અધિકારીઓના મતે, આ માત્ર એક નાનકડું નેટવર્ક નથી, પરંતુ તેની પાછળ મોટા બિનહિસાબી વ્યવહારો અને અન્ય કર્મચારીઓની સંડોવણી હોવાની પણ પ્રબળ શક્યતા છે. નાનકડા કેન્દ્રશાસિત પ્રદેશમાં CBIની આટલી મોટી રેડ અને ઉચ્ચ અધિકારીની ધરપકડથી હાલ તો સરકારી કચેરીઓમાં સન્નાટો વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં આ કૌભાંડના તાર ક્યાં સુધી જોડાયેલા છે, તે જોવું મહત્વનું રહેશે.
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
