News of Friday, 19th June 2026
રૂા. ૧,૫૬૭ કરોડના રોકાણ ધરાવતા ૧૫ મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન સહાય મંજૂર
ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ સ્કીમ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય

રાજકોટઃ ગુજરાત સરકારે રાજ્યની ઔદ્યોગિક નીતિ-૨૦૧૫ હેઠળની ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ સ્કીમ અંતર્ગત કુલ રૂા.૧,૫૬૭.૧૮ કરોડના રોકાણ ધરાવતા ૧૫ મોટા ઔદ્યોગિક એકમોને પ્રોત્સાહન સહાય મંજૂર કરી છે. આ રોકાણોથી રાજ્યમાં અંદાજે ૧,૨૩૮ રોજગારીની તકોનું સર્જન થવાની અપેક્ષા છે
આ મંજૂરીઓ યોજનાના અંતર્ગત મોટા ઉદ્યોગોને ફાઇનલ એલિજાિબિલિટી સર્ટિફિકેટ આપતી સમિતિની બેઠકમાં આપવામાં આવી હતી. આ બેઠક નાયબ મુખ્યમંત્રી તથા ઉદ્યોગ મંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
ગુજરાતને ભારત તેમજ વૈશ્વિક સ્તરે સૌથી આકર્ષક રોકાણ સ્થળોમાં સ્થાન અપાવવાના હેતુથી રાજ્યની ઔદ્યોગિક નીતિ-૨૦૧૫ હેઠળ ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ સ્કીમ અમલમાં મૂકવામાં આવી હતી.
આ યોજના હેઠળ અત્યાર સુધી રાજ્યમાં કુલ રૂા.૧,૪૮,૩૩૬.૩૫ કરોડનું રોકાણ આકર્ષવામાં આવ્યું છે અને આશરે ૧,૬૫,૦૫૩ સીધી રોજગારીનું સર્જન થયું છે. ઉપરાંત, આ યોજનાએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ)ના વિકાસને પણ વેગ આપ્યો છે, જેના પરિણામે ગુજરાતમાં ઔદ્યોગિક ઇકોસિસ્ટમનું નિર્માણ થયું છે.
તાજેતરની સમિતિ બેઠકમાં મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સમાં ભરૂચ જિલ્લામાં કેમિકલ્સ ક્ષેત્રમાં રૂા.૯૯૯.૮૨ કરોડના રોકાણને સહાય માટે મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં રૂા.૭૫.૭૨ કરોડ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ?૪૪.૫૬ કરોડના રોકાણ ધરાવતા પ્રોજેક્ટ્સને પણ મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત, ગાંધીનગર જિલ્લામાં ટેક્સટાઇલ ક્ષેત્રના ?૧૩ કરોડના પ્રોજેક્ટને પણ પ્રોત્સાહન સહાય માટે મંજૂરી આપવામાં આવી છે.
બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી જયંતી રવિ, નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ટી. નટરાજન, ઉદ્યોગ કમિશનર શ્રી સ્વરૂપ પી., રોજગાર અને તાલીમ નિયામક શ્રીમતી સ્તુતિ ચારણ, ઉદ્યોગ અને ખાણ વિભાગના સંયુક્ત સચિવ શ્રીમતી ભક્તિ શામળ, વન અને પર્યાવરણ વિભાગના ડાયરેક્ટર શ્રીમતી દીપાલી ટાંક તથા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ખજાનચી શ્રી ગૌરાંગ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
