News of Friday, 2nd October 2026
સ્વૈચ્છિક સ્થળાંતર કરનાર કુટુંબને રૂ. ૧૫ લાખની સહાય અને ૧૦૦ ચોરસ વારનો પ્લોટ વિનામૂલ્યે મળશે
બરડા અભયારણ્યના માલધારીઓ માટે ઐતિહાસિક યોજના એશિયાઈ સિંહોના બીજા રહેઠાણ તરીકે વિકસતા બરડામાં વન્યજીવ સંરક્ષણ અને માનવ-પ્રાણી ઘર્ષણ અટકાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મોટી જાહેરાત : માલધારીઓને શિક્ષણ, આરોગ્ય અને રોજગારીની તકોથી સજ્જ કરી મુખ્યધારામાં જોડાશે

પોરબંદર : પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૯૨.૩૧ ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલું બરડા અભયારણ્ય એશિયાઈ સિંહોના બીજા સ્વભાવિક રહેઠાણ તરીકે વિકસી રહ્યું છે. વન્ય પ્રાણી સંરક્ષણ, સિંહની સુવિધાયુક્ત સુરક્ષા અને માનવ-વન્ય પ્રાણી ઘર્ષણ અટકાવવાની સાથે નેસ વિસ્તારના માલધારી પરિવારોને શિક્ષણ, આરોગ્ય અને રોજગારી જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડી સમાજની મુખ્યધારામાં જોડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ૭૭માં વન મહોત્સવ પ્રસંગે પોરબંદર ખાતેથી એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક યોજનાની જાહેરાત કરી છે.
રાજ્ય સરકારની આ નવીન યોજના અનુસાર બરડા અભયારણ્યના માલધારીઓને સ્વૈચ્છિક રીતે અભયારણ્ય બહાર વસાવવામાં આવશે. આ યોજના હેઠળ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ની માર્ગદર્શિકા મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને કુટુંબ દીઠ રૂ. ૧૫ લાખની સમગ્ર સહાય રકમ એકસાથે ચૂકવવામાં આવશે. એકવાર સ્વૈચ્છિક સ્થળાંતર કર્યા બાદ આ પરિવારોનો બરડા અભયારણ્ય વિસ્તારમાં અન્ય કોઈ હક્કહિત માન્ય રહેશે નહીં તેમજ આ સિવાય કોઈ વધારાની રકમ ચૂકવવાપાત્ર થશે નહીં.
સ્થળાંતરિત થનારા માલધારી પરિવારો માટે રહેઠાણની સુવિધા રૂપે ૧૦૦ ચોરસ વારનો આવાસ પ્લોટ વિનામૂલ્યે ફાળવાશે. આ જમીન કલેક્ટર અને જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા અભયારણ્ય તથા ઈકો-સેન્સિટિવ ઝોનની હદ બહાર, મહાનગરપાલિકાથી ૧૦ કિ.મી. અને નગરપાલિકાથી ૫ કિ.મી. બહારના કોઈ પણ ગામની બાજુમાં અપાશે. જો માલઢોર ધરાવતા પરિવારો માંગણી કરશે તો તેમના માટે વધારાનો ૧૦૦ ચોરસ વાર સુધીનો પ્લોટ બજાર કિંમતે અપાશે, જેની રકમ રૂ. ૧૫ લાખની સહાયમાંથી બાદ કરી બાકીની રકમ ચુકવાશે.
યોજનાના અમલીકરણ અને માર્ગદર્શન માટે વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાની સમિતિ રચાાઈ છે. જેમાં અગ્ર મુખ્ય વન સંરક્ષક, ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન, સમાજ કલ્યાણ નિયામક અને જૂનાગઢ વન સંરક્ષકનો સમાવેશ કરાયો છે. જ્યારે જિલ્લા કક્ષાએ કલેક્ટરની અધ્યક્ષતામાં સમિતિ ગઠિત કરાઈ છે. આ સ્વૈચ્છિક સ્થળાંતરથી બરડાનો મોટો ભાગ માનવ અતિક્રમણથી મુક્ત થઈ વન્યજીવો માટે ખુલ્લો થશે અને માલધારી પરિવારોનું જીવનધોરણ સુધરશે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
