<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

ગાંધીનગર મહાનગરપાલિકાના નવા મેયર તરીકે રૂપસિંહ ઠાકોરની વરણી : ડેપ્યુટી મેયર તરીકે અંજનાબેન મહેતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે મહેન્દ્ર પટેલને સોંપાઈ જવાબદારી : નવા નેતૃત્વ સમક્ષ વિકાસ અને નાગરિક સુવિધાઓના મોટા પડકારો

ઓબીસી અનામત બેઠક પર ભાજપ દ્વારા યુવા ચહેરાને તક આપવામાં આવતા ગાંધીનગરમાં રાજકીય ગરમાવો : ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના પ્રભાવને લઈને પણ રાજકીય વર્તુળોમાં શરૂ થઈ ચર્ચાઓ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો બાદ હવે સત્તાના સમીકરણો સ્પષ્ટ થઈ ગયા છે અને મનપાને નવા હોદ્દેદારોની ટીમ મળી ગઈ છે. ગાંધીનગર મનપાના મેયર પદે યુવા ચહેરા તરીકે રૂપસિંહ ઠાકોરની પસંદગી કરવામાં આવી છે. તેમની આ વરણી સાથે જ રાજ્યની રાજધાનીને યુવા નેતૃત્વ પ્રાપ્ત થયું છે, જે આગામી સમયમાં શહેરના રાજકીય અને વહીવટી દૃશ્યપટ પર મોટો પ્રભાવ પાથરી શકે તેમ છે.

મનપાની ચૂંટણીમાં ભાજપનું વિજયી પ્રદર્શન:
ગાંધીનગર મહાનગરપાલિકાની ગઇકાલની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર દેખાવ કરતા કુલ ૪૪માંથી ૩૮ બેઠકો પર ભવ્ય વિજય મેળવીને પોતાનું સત્તાવાર વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. આ ચૂંટણીમાં મુખ્ય વિપક્ષી પક્ષ કોંગ્રેસને માત્ર ૫ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો, જ્યારે એક બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ હતી. બીજી તરફ, આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં એકપણ બેઠક મેળવવામાં સફળ રહી નહોતી. ભાજપને મળે સ્પષ્ટ જનાદેશ બાદ હવે મનપાના મહત્વના પદોની વરણી કરવામાં આવી છે.

રૂપસિંહ ઠાકોર સંભાળશે પ્રથમ નાગરિકની જવાબદારી:
આ વખતે મેયર પદ ઓબીસી (OBC) પુરુષ વર્ગ માટે અનામત રાખવામાં આવ્યું હતું. ભાજપે વોર્ડ નંબર ૪માંથી ૭,૦૦૬ મતો મેળવીને વિજયી બનેલા યુવા પ્રતિનિધિ રૂપસિંહ ઠાકોર પર પસંદગી ઉતારી છે. વોર્ડના નગરસેવક તરીકે સેવા આપનાર રૂપસિંહ ઠાકોર હવે ગાંધીનગર શહેરના પ્રથમ નાગરિક તરીકે સમગ્ર મહાનગરપાલિકાની કમાન સંભાળશે. આ વરણીથી ઠાકોર સમાજને સત્તાવાર રાજકીય પ્રતિનિધિત્વ પણ સાંપડ્યું છે.

ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની નિમણૂક:
મેયર ઉપરાંત મનપાના અન્ય શીર્ષસ્થ હોદ્દાઓની પણ સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં ડેપ્યુટી મેયર તરીકે અંજનાબેન મહેતાની પસંદગી કરવામાં આવી છે, જેઓ મેયરને વહીવટી અને સંગઠનાત્મક કામગીરીમાં સહયોગ આપશે. જ્યારે બીજી તરફ મહાનગરપાલિકાના નાણાકીય નિર્ણયો, વિકાસકાર્યો અને મહત્વના પ્રોજેક્ટ્સની ચાવી સમાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલને જવાબદારી સોંપવામાં આવી છે.

અલ્પેશ ઠાકોરના રાજકીય પ્રભાવની ચર્ચાએ પકડ્યું જોર:
ગાંધીનગર મનપાની આ નવી વરણીમાં ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ભૂમિકા સૌથી મોટો ચર્ચાનો વિષય બની છે. મનપાની ચૂંટણી પ્રચાર દરમિયાન અલ્પેશ ઠાકોરે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં સક્રિય પ્રચાર કર્યો હતો અને વિકાસના મુદ્દાઓ આગળ ધપાવ્યા હતા. ચૂંટણી બાદ ઠાકોર સમાજના યુવા ચહેરાને મેયર પદ મળવાથી સ્થાનિક રાજકારણમાં અલ્પેશ ઠાકોરની પકડ અને પ્રભાવ વધુ મજબૂત હોવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. જોકે, આ પસંદગી પાછળ કોઈ સત્તાવાર સીધી હસ્તક્ષેપની પુષ્ટિ નથી, પરંતુ રાજકીય સમીકરણોમાં તેમનું સ્થાન અવિસ્મરણીય રહ્યું છે.

નવા નેતૃત્વ સમક્ષ વિકાસ અને નાગરિક સુવિધાઓના મોટા પડકારો:
ગાંધીનગર માત્ર વહીવટી કેન્દ્ર નથી પરંતુ ગુજરાતની અસ્મિતાનું પ્રતિક છે, ત્યારે યુવા મેયર અને તેમની ટીમ સામે અનેકવિધ જવાબદારીઓ રહેલી છે. શહેરમાં વધતી વસ્તી, નવા સમાવિષ્ટ વિસ્તારોનો વિકાસ, પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા, રસ્તાઓ અને ટ્રાફિક નિયંત્રણ જેવા પ્રશ્નોના ઝડપી ઉકેલ લાવવા નવા હોદ્દેદારો માટે અગ્નિપરીક્ષા સમાન રહેશે. આગામી અઢી વર્ષમાં આ નવી ટીમ નાગરિકોની અપેક્ષાઓ પર કેટલું ખરી ઉતરે છે અને ગાંધીનગરના વિકાસને કે નવી ગતિ આપે છે તે આગામી સમય જ બતાવશે.

(6:59 PM IST)