<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સઘન ફોલોઅપથી માર્ગ અને મકાન વિભાગે રચ્યો વિક્રમ : દરિયા કિનારે મહી નદી પર માત્ર ૧૨ માસમાં ગંભીરા બ્રિજનું કામ પૂર્ણ

વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા ૮૫૮.૭૫ મીટર લાંબા બ્રિજનું ૨૦ સપ્ટેમ્બરે વરણામા ખાતેથી થશે લોકાર્પણ : ભરતી-ઓટના પડકારો વચ્ચે રેકોર્ડ સમયમાં નિર્માણ

વડોદરા: વડોદરા અને આણંદ જિલ્લાને આર્થિક, સામાજિક તેમજ શૈક્ષણિક રીતે જોડતા ગંભીરા બ્રિજનું નિર્માણ કાર્ય માત્ર ૧૨ માસના ટૂંકા સમયગાળામાં પૂર્ણ કરીને માર્ગ અને મકાન વિભાગે એક નવો વિક્રમ સર્જ્યો છે. દરિયાની ભરતી-ઓટ અને મહી નદીના પ્રવાહ વચ્ચે ૮૫૮.૭૫ મીટર લંબાઈ ધરાવતો બ્રિજ માત્ર બાર મહિનામાં પૂરો થવાની આ દેશમાં સંભવતઃ પ્રથમ ઘટના છે, જેની પાછળ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સતત સમીક્ષા અને મક્કમ નેતૃત્વ મુખ્ય બળ બન્યું છે.

દુર્ઘટના બાદ ત્વરિત નિર્ણયો અને રૂ. ૯ કરોડની મંજૂરી:
જૂનો બ્રિજ તૂટવાની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી હતી. ઘટના બાદ રાજ્યભરના તમામ નાના-મોટા બ્રિજની ચકાસણીના આદેશો આપવામાં આવ્યા હતા અને મુજપુર તથા ગંભીરને જોડતા નવા બ્રિજ માટે માત્ર એક જ પખવાડિયામાં વહીવટી મંજૂરી આપી દેવામાં આવી હતી. તે દરમિયાન આંકલાવ અને પાદરાના વિદ્યાર્થીઓ તથા નોકરિયાત વર્ગને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે મુખ્યમંત્રીએ જૂના બ્રિજ પર લોખંડનું સ્ટ્રક્ચર મૂકી દ્વિચક્રી વાહનો માટે રસ્તો શરૂ કરવા રૂ. ૯ કરોડ મંજૂર કર્યા હતા અને ત્રણ જ મહિનામાં કામગીરી પૂર્ણ કરાવી હતી.

દર ૧૫ દિવસે મુખ્યમંત્રી દ્વારા કામગીરીની સમીક્ષા:
દરિયામાં આવતી ભરતી-ઓટ અને નદીના પાણીના પ્રવાહના મોટા પડકાર વચ્ચે અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી ૮૫૮.૭૫ મીટર લંબાઈ માટે ૨૩ પીયર ઊભા કરવામાં આવ્યા હતા. છેલ્લા એક વર્ષ દરમિયાન મુખ્યમંત્રી દર ૧૫ દિવસે માર્ગ અને મકાન વિભાગના સચિવ પાસેથી ગંભીરા બ્રિજના કામની પ્રગતિનો રિપોર્ટ મેળવી તેની સમીક્ષા કરતા હતા તથા જરૂરી નિરાકરણ લાવતા હતા. મુજપુર અને ગંભીર વચ્ચેના આ બ્રિજના નિર્માણ અંગે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ૧૫થી વધુ ફોન કરીને સતત ફોલોઅપ લેવામાં આવ્યું હતું.

૨૦ સપ્ટેમ્બરે વરણામાથી થશે લોકાર્પણ:
મુખ્યમંત્રીના દ્રઢ મનોબળ અને સઘન ફોલોઅપને કારણે સમયમર્યાદામાં તૈયાર થયેલા આ નવનિર્મિત ગંભીરા બ્રિજનું આવતીકાલે, ૨૦ સપ્ટેમ્બરે વરણામા ખાતે યોજાનારા વિશેષ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવશે.

(3:39 PM IST)