<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

મહિલા હત્યાકેસમાં વચગાળાના જામીન મેળવી પોલીસને થાપ આપી ફરાર થયેલ રીઢા ગુનેગારને સુરત LCB ઝોન-3ની ટીમેં યુપીથી ઝડપ્યો

આરોપી કાયદાની પકડથી બચવા માટે ઉત્તર પ્રદેશના પોતાના વતનમાં મજૂર તરીકે છુપાઈને રહેતો પરંતુ સુરત પોલીસની બાજ નજરે તેને શોધી કાઢ્યો

સુરત શહેર પોલીસની ગુનેગારોને પાતાળમાંથી પણ શોધી કાઢવાની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત થઈ છે. વર્ષ 2019ના સૈયદપુરા વિસ્તારના ચકચારી મહિલા હત્યાકેસમાં વચગાળાના જામીન મેળવીને પોલીસને થાપ આપી ફરાર થઈ ગયેલા રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં સુરત LCB ઝોન-3ની ટીમને સફળતા મળી છે.

આરોપી કાયદાની પકડથી બચવા માટે ઉત્તર પ્રદેશના પોતાના વતનમાં મજૂર તરીકે છુપાઈને રહેતો હતો, પરંતુ સુરત પોલીસની બાજ નજરે તેને શોધી કાઢ્યો હતો. આ ઓપરેશનને અંજામ આપવા માટે સુરત LCB ઝોન-3ની ટીમે ઉત્તર પ્રદેશના સંત કબીરનગર જિલ્લામાં ધામા નાખ્યા હતા. સ્થાનિક સ્તરે કોઈને શંકા ન જાય તે માટે સુરત પોલીસના જવાનોએ પોતે જ સ્થાનિક વેપારી અને મજૂરનો વેશ ધારણ કર્યો હતો અને આરોપીની હિલચાલ પર સતત વોચ ગોઠવી દીધી હતી.

યોગ્ય તકની રાહ જોયા બાદ પોલીસે વ્યૂહાત્મક કોર્ડન કરીને 31 વર્ષીય હત્યારા મોહમદ અહેમદ ઉર્ફે બિસ્મીલ્લાહને તેના જ વતનમાંથી દબોચી લીધો હતો અને કાયદાનું ભાન કરાવ્યું હતું. આરોપીએ 2019માં લૂંટના ઈરાદે વિધવા મહિલાની ગળું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી, જે ગુનામાં તે લાંબા સમયથી ફરાર હતો. સુરત પોલીસની ઉત્કૃષ્ટ કામગીરીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાવી દીધો છે.

(11:43 PM IST)