તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th August 2026
સુરતના લિંબાયત વિસ્તારમાં ગાંધી ચોક, કુબા મસ્જિદ પાસે રિક્ષામાં આગચંપી:
ઝુબેર પટેલની રિક્ષાને અજાણ્યા શખ્સે આગ ચાંપી દેતા રિક્ષા બળીને ખાખ થઈ ગઈ:સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ:લિંબાયત પોલીસે ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી

સુરતના લિંબાયત વિસ્તારમાં રિક્ષામાં આગચંપીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગાંધી ચોક, કુબા મસ્જિદ પાસે ગત રાત્રિના સમયે આ ઘટના બની છે. ઝુબેર પટેલની રિક્ષાને અજાણ્યા શખ્સે આગ ચાંપી દેતા રિક્ષા બળીને ખાખ થઈ ગઈ છે. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. CCTVમાં એક અજાણ્યો શખ્સ માથા પર પોટલું જેવી વસ્તુ લઈને રિક્ષા તરફ આવતો જોવા મળે છે. શખ્સ રિક્ષાની આસપાસ થોડો સમય રોકાયા બાદ તેના પાછળના ભાગ પાસે પહોંચે છે. CCTV ફૂટેજમાં દેખાય છે કે અજાણ્યો શખ્સ માથા પર લઈને આવેલી વસ્તુ રિક્ષાના પાછળના ભાગે મૂકે છે. ત્યારબાદ તે રિક્ષાને આગ ચાંપી દે છે અને ઘટનાસ્થળેથી ફરાર થઈ જાય છે. આગ લાગ્યા બાદ રિક્ષા બળીને ખાખ થઈ ગઈ હતી. સમગ્ર ઘટનાક્રમ CCTV કેમેરામાં કેદ થયો છે.
રિક્ષામાં આગચંપીની ઘટનાને લઈને લિંબાયત પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે ઘટનાસ્થળ અને CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. રાત્રિના સમયે બનેલી આ ઘટનામાં અજાણ્યો શખ્સ કોણ હતો અને તે કયા ઈરાદે રિક્ષાને આગ ચાંપવા આવ્યો હતો તે અંગે તપાસ ચાલી રહી છે.
પોલીસ દ્વારા રિક્ષામાં આગ લગાવવાના કારણ અંગે પણ વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. ઝુબેર પટેલ સાથે કોઈની અગાઉની અદાવત હતી કે કેમ, કોઈ પારિવારિક અથવા વ્યક્તિગત ઝઘડો ચાલી રહ્યો હતો કે કેમ, તે સહિતના મુદ્દાઓ તપાસ હેઠળ છે. પોલીસે રિક્ષા માલિક અને આસપાસના લોકો પાસેથી પણ માહિતી મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.
હાલ પોલીસનું મુખ્ય ધ્યાન CCTV ફૂટેજમાં દેખાતા અજાણ્યા શખ્સની ઓળખ કરવા પર છે. ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચવા માટે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. રિક્ષામાં આગ કોણે લગાવી અને ચોક્કસ કયા કારણોસર આ કૃત્ય કરવામાં આવ્યું તે આરોપીની ધરપકડ બાદ જ સ્પષ્ટ થશે.
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
