તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
તાપી જિલ્લામાં લાકડા ચોરોનો પીછો કરતાં અકસ્માતમાં શહીદ થયેલા RFO વિકાસ દેસાઈને વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ : વન સંપત્તિને નુકસાન કરનારા તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે કડક કાર્યવાહીની જાહેરાત
વન રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી અને અગ્ર મુખ્ય વનસંરક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓએ શહીદના શોકાતુર પરિજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી : પાટણના વતની અને બહાદુર અધિકારીનું બલિદાન વન પરિવાર માટે હંમેશાં પ્રેરણારૂપ રહેશે

તાપી, તા.૨૦ જુલાઈ:તાપી જિલ્લાના તાપ્તી રેન્જમાં વન સંપત્તિના રક્ષણ માટે ફરજ બજાવતી વખતે બહાદુરીપૂર્વક લાકડાની ચોરી રોકવા જતાં અકસ્માતમાં શહીદ થયેલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) વિકાસ દેસાઈને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આ દુઃખદ ઘટનાને વનવિભાગ માટે કદી પૂરી ન શકાય તેવી મોટી ક્ષતિ ગણાવી હતી અને શહીદના શોકસંતપ્ત પરિજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી સાંત્વના પાઠવી હતી.
મંત્રીએ ઘટનાની વિગતો આપતા જણાવ્યું કે, ખેરના કીમતી લાકડાની ચોરી કરીને ભાગી રહેલા તસ્કરોની સચોટ માહિતી મળતા જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિકાસ દેસાઈએ ફરજ પ્રત્યેની અડગ નિષ્ઠા અને જવાબદારીભાવ સાથે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. આ તસ્કરોના વાહનનો પીછો કરતી વખતે થયેલા ગમખ્વાર અકસ્માતમાં તેઓ વીરગતિ પામ્યા હતા. વન અને પ્રકૃતિના રક્ષણ માટે પોતાના જીવનું સર્વોચ્ચ બલિદાન આપનાર આવા નીડર અધિકારી સમગ્ર વન પરિવાર અને રાજ્ય માટે હંમેશાં પ્રેરણાસ્રોત બની રહેશે. તેમણે ઉમેર્યું કે, આજે આપણાં વનો, વન્યજીવન અને કુદરતી સંપત્તિ સુરક્ષિત છે, તો તે આવા નિષ્ઠાવાન અને બહાદુર અધિકારીઓના સમર્પણને કારણે જ છે. વનની સંસ્કૃતિ જીવંત રહેશે, તો જ માનવ સંસ્કૃતિનું અસ્તિત્વ ટકી રહેશે.
વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્ય સરકાર અને સમગ્ર વન વિભાગ વતી શહીદના પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરવા પ્રભુને પ્રાર્થના કરી હતી. આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, આ સમગ્ર ઘટનાની સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને વન સંપત્તિને નુકસાન પહોંચાડતી કોઈ પણ ગેરકાયદે પ્રવૃત્તિ કે તસ્કરી સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ સાથે કડક વલણ અપનાવી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
શહીદ અધિકારી વિકાસ દેસાઈ મૂળ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ભાટસર ગામના વતની હતા. ચાર ભાઈ-બહેનમાં તેઓ ત્રીજા સંતાન હતા. અગાઉ તેઓ સચિવાલયમાં નાયબ સેક્શન અધિકારી તરીકે વહીવટી ફરજ બજાવતા હતા અને ત્રણેક વર્ષથી વન વિભાગમાં જોડાયા હતા. પોતાની પાછળ તેઓ માતા-પિતા, પત્ની અને પાંચ વર્ષના માસૂમ પુત્રને વિલાપ કરતાં છોડી ગયા છે. વન રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ પણ શહીદના પરિજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી આઘાત પ્રગટ કર્યો હતો. આ અતિ દુઃખદ ઘડીમાં પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (PCCF) ડો. જયપાલસિંહ, ભવાની પ્રસાદ, પુનિત નાયર, અંશુમન શર્મા અને આનંદ કુમાર સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓએ શહીદ અધિકારીના ઘરે પહોંચી પરિવારજનોને રૂબરૂ મળીને સાંત્વના પાઠવી હતી.
(5:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
