<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

વિધાનસભા ખાતે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્માની ૧૬૮મી જન્મજયંતિની ઉજવણી: પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન સમર્પિત કરાયા

​વિધાનસભાના અધિકારીઓ, કર્મચારીઓ અને શાળાના વિદ્યાર્થીઓએ કચ્છના નરબંકુરા અને સ્વતંત્રતા સંગ્રામના મહાન ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્માને ભાવસભર યાદ કર્યા

(અશ્વિન વ્યાસ )​ગાંધીનગર: ​ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભા બિલ્ડિંગ ખાતે દેશના મહાન ક્રાંતિવીર અને ગુજરાતના અમર સપૂત પંડિત શ્યામજી કૃષ્ણવર્માની ૧૬૮મી જન્મજયંતિ નિમિત્તે એક વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
​આ પ્રસંગે વિધાનસભાના સચિવ સી. બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં સંયુક્ત સચિવ રિટા મહેતા સહિત ઉચ્ચ અધિકારીઓ, સચિવાલયના કર્મચારીઓ તેમજ સમર્પણ પબ્લિક સ્કૂલ, ગાંધીનગરના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ક્રાંતિવીરના તૈલચિત્ર સમક્ષ પુષ્પ અર્પણ કરીને ભાવસભર શ્રદ્ધાંજલિ આપી હતી.
​કાર્યક્રમ દરમિયાન સમર્પણ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીની હીર ત્રિવેદીએ શ્યામજી કૃષ્ણવર્માના જીવન અને દેશપ્રેમ વિશે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ૪ ઓક્ટોબર ૧૮૫૭ના રોજ કચ્છના માંડવી ખાતે જન્મેલા શ્યામજી કૃષ્ણવર્માએ દેશની આઝાદીની ચળવળમાં અવિસ્મરણીય યોગદાન આપ્યું હતું. માંડવી અને ભુજમાં પ્રાથમિક શિક્ષણ તેમજ મુંબઈથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ તેઓ ઈંગ્લેન્ડ જઈ બેરિસ્ટર બન્યા હતા.
​ભારત પરત ફરીને જહાલપક્ષી રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવનાર આ ક્રાંતિવીરે ઈંગ્લેન્ડ વસવાટ દરમિયાન ૧૯૦૫માં 'ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ' પત્ર શરૂ કર્યું હતું અને 'ઈંગ્લેન્ડ હોમરૂલ લીગ'ની સ્થાપના કરી હતી. આ ઉપરાંત, વિદેશમાં અભ્યાસ અર્થે આવતા ભારતીય વિદ્યાર્થીઓ માટે તેમણે લંડનમાં 'ઈન્ડિયા હાઉસ'ની સ્થાપના કરી હતી, જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. ૩૦ માર્ચ ૧૯૩૦ના રોજ જીનિવા ખાતે તેમનું અવસાન થયું હતું.
​ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ખાતે નવી પેઢી દેશના મહાનુભાવો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના આદર્શોમાંથી પ્રેરણા મેળવે તે હેતુથી તેમની જન્મજયંતિ પર ભાવવંદના કરવાનો વિશિષ્ટ ઉપક્રમ દર વર્ષે નિયમિતપણે યોજવામાં આવે છે.

(11:01 AM IST)