<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો : મોડાસામાં પવન્ન સુસવાટા સાથે વરસાદ તૂટી પડ્યો

સમગ્ર પંથકમાં આનંદની હેલી :વરસાદ સુકાઈ રહેલા પાક માટે સંજીવની સમાન સાબિત થશે, ખરીફ પાકને મોટું જીવનદાન મળશે.

અરવલ્લી જિલ્લાના ખેડૂતો અને સામાન્ય જનતા જેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા, તે મેઘરાજાએ આખરે લાંબા વિરામ બાદ પધરામણી કરી છે. જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. ત્યારબાદ પવનના સુસવાટા સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં આનંદની હેલી જોવા મળી રહી છે.

છેલ્લા ઘણા દિવસોથી અરવલ્લી જિલ્લામાં અસહ્ય ગરમી અને અકળાવનારા બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. મહત્તમ તાપમાન ઊંચું રહેવાના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. પરંતુ આજે મોડાસા શહેરમાં વરસાદી માહોલ જામતા અને ધોધમાર વરસાદ વરસતા જ વાતાવરણમાં એકાએક અદભુત ઠંડક પ્રસરી ગઈ છે. સ્થાનિક રહીશોને લાંબા સમય બાદ ગરમીમાંથી મોટી રાહત મળી છે.

 

ચાલુ ચોમાસાની સીઝનમાં શરુઆતના વરસાદ બાદ લાંબા સમય સુધી ખેંચાયેલા વિરામના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. વાવણી કર્યા બાદ વરસાદ ન પડવાના કારણે મોંઘા મોલ અને પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી. ધરતીપુત્રો આકાશ ભણી મીટ માંડીને બેઠા હતા. એવામાં મોડાસા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કાચું સોનું વરસતા ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે. કૃષિ નિષ્ણાંતોના મતે આ વરસાદ સુકાઈ રહેલા પાક માટે સંજીવની સમાન સાબિત થશે, જેનાથી ખરીફ પાકને મોટું જીવનદાન મળશે.

 

માત્ર મોડાસા શહેર જ નહીં, પરંતુ તેની આસપાસ આવેલા ગ્રામીણ વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદના સમાચાર મળી રહ્યા છે. નીચાણવાળા ભાગો અને માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. લાંબા સમય પછી પ્રકૃતિનો આ મનોહર નજારો જોઈને લોકો રસ્તા પર વરસાદની મજા માણવા નીકળી પડ્યા હતા. આ વરસાદ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવી આશા લોકો રાખી રહ્યા છે.

(5:30 PM IST)