તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
મહેસૂલ કર્મચારીઓની હડતાલ સમાપ્તઃ કુલ ૧૪માંથી ૧૩ માંગણી સ્વીકારાઇઃ સીધી ભરતીની માંગ ફગાવી દેવાઇ
પ્રવકતા મંત્રી જીતુભાઇ, મહેસૂલ રાજય મંત્રી સંજયસિંહ મહિડાની સફળ દરમિયાનગીરી... શનિ-રવી રજા બાદ સોમવારથી મહેસૂલી કામગીરી ધમધમશેઃ ગ્રેડ-પેનો પ્રશ્ન પણ અધ્ધરતાલ

ગાંધીનગર તા. ૧૦ :.. નાયબ મામલતદાર, મહેસૂલી તલાટી અને મહેસૂલી કલાર્ક સંવર્ગના વિવિધ પડતર પ્રશ્નો અંગે ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનનો અંતે સુખદ ઉકેલ આવ્યો છે. રાજ્ય સરકાર સાથે ગાંધીનગર ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ મહામંડળ દ્વારા આંદોલન સત્તાવાર રીતે પાછું ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે.
મહેસૂલ કર્મચારીઓની કુલ ૧૪ માંગણીમાંથી ૧૩ માંગણીઓ અંગે સરકારે હકારાત્મક વલણ અપનાવ્યું છે, એક સીધી ભરતી બંધ કરવાની માંગણી હાલ સ્વીકારાઇ નથી.
પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણી અને મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાની અધ્યક્ષતામાં આ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ ચર્ચામાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવિ, અન્ય ઉચ્ચ અધિકારીઓ તેમજ ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રમુખ જામસંગભાઈ પરમાર સહિતના પ્રતિનિધિમંડળ વચ્ચે સાનુકૂળ અને હકારાત્મક વાતાવરણમાં વાટાઘાટો થઈ હતી.
બેઠક બાદ પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યની સામાન્ય જનતાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે અગવડ ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારે કર્મચારીઓના પ્રશ્નો પ્રત્યે અત્યંત ઉદાર અને સહાનુભૂતિપૂર્વકનો અભિગમ દાખવ્યો છે. સરકારે તમામ વ્યાજબી માંગણીઓ પ્રત્યે હકારાત્મક વલણ અપનાવીને તેના ઝડપી નિરાકરણ માટે મહામંડળને ખાતરી આપી છે.
મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાએ ઉમેર્યું હતું કે, પ્રજાના વ્યાપક હિતમાં અને કર્મચારીઓના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે સરકારે સકારાત્મક વાતાવરણમાં ચર્ચા કરી છે. સામાન્ય નાગરિકોને હાલાકી ન ભોગવવી પડે તે માટે મહામંડળે પણ ઉદાર અભિગમ દાખવીને આંદોલન સમેટી લેવાનો પ્રશંસનીય નિર્ણય કર્યો છે.
જે ૧૩ માંગણીઓ સ્વીકારાઇ તેમાં સિનિયોટીરી યાદી, તલાટી જોબ ચાર્જ, પ્રમોશનમાં પ૦૦ કિ. મી. દૂર બદલીઓ કરાઇ તે અંગે પોઝીટીવ નિણર્ય, ટ્રાન્સપોર્ટ ભથ્થુ, વિગેરેનો સમાવેશ થાય છે, ગ્રેડ-પે અંગે કોઇ ઉકેલ આવ્યો નથી.
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
