News of Monday, 28th September 2026
અકસ્માતની વિવિધ ઘટનાઓમાં જીવ ગુમાવનારા દિવંગતોને પૂ. મોરારિબાપુએ પાઠવી શ્રદ્ધાંજલિ : પિડિત પરિવારો માટે રૂ. ૪.૭૬ લાખની સહાય જાહેર
દિલ્હી-યુપી બસ દુર્ઘટના, ગણેશ વિસર્જન હોનારત અને ઉત્તર પ્રદેશના ભયાનક વાવાઝોડાના મૃતકોના આશ્રિતોને સંવેદના રાશી અર્પણ કરાશે : હનુમાનજીના ચરણોમાં કરાઈ પ્રાર્થના

તલગાજરડા: તાજેતરમાં દેશના વિવિધ ભાગોમાં સર્જાયેલી અકસ્માત અને કુદરતી આપત્તિની ભયાનક ઘટનાઓમાં મૃત્યુ પામેલા હતભાગીઓને કથાકાર પૂ. મોરારિબાપુએ ઊંડા શોક સાથે શ્રદ્ધાંજલિ પાઠવી છે. પૂ. બાપુએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને કુલ રૂ. ૪,૭૬,૦૦૦ ની આર્થિક સંવેદના રાશી અર્પણ કરવાની જાહેરાત કરી છે.
દિલ્હીથી ઉત્તર પ્રદેશના મહોબા જઈ રહેલી સ્લીપર બસમાં આગ લાગવાની કરુણ ઘટનામાં ૯ પ્રવાસીઓ દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા. પૂ. બાપુએ આ દિવંગતોના પરિવારજનોને રૂ. ૧૫,૦૦૦ લેખે કુલ રૂ. ૧,૩૫,૦૦૦ ની સહાય આપી છે, જે રામકથાના દિલ્હી સ્થિત શ્રોતા મારફતે વડાપ્રધાન રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે. આ ઉપરાંત, ગણેશ વિસર્જન દરમિયાન અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે ૪ યુવકો તેમજ મોરબી પંથકમાં ૨ લોકો સહિત કુલ ૬ લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. પૂ. બાપુએ આ ૬ મૃતકોના પરિવારજનોને પણ રૂ. ૧૫,૦૦૦ લેખે કુલ રૂ. ૯૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.
બીજી તરફ, ગત દિવસો દરમિયાન ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં અરનબ વાવાઝોડા અને ભયાનક વરસાદના કારણે ૪૬ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ હોનારતને પગલે પૂ. બાપુએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. ૨,૫૧,૦૦૦ હનુમંત સંવેદના રૂપે અર્પણ કર્યા છે. આ નાણાકીય સેવા મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પૂરી પાડવામાં આવી છે. પૂ. બાપુએ તમામ દિવંગત આત્માઓની સદગતિ માટે હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
