તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Friday, 15th May 2026
રાષ્ટ્રહિતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને પ્રતિસાદ : સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીએ અમેરિકાનો પ્રવાસ સ્વૈચ્છિક રીતે રદ કર્યો
ન્યૂયોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય સેમિનારમાં વિશેષ વક્તા તરીકે આપવાનું હતું સંબોધન : દેશની પ્રાથમિકતા સર્વોપરી ગણી વૈશ્વિક મંચ પર જવાની તક જતી કરતા મંત્રીનો પ્રેરણાદાયી નિર્ણય

ગાંધીનગર: દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં જ દેશવાસીઓને રાષ્ટ્રહિતમાં એક વર્ષ સુધી ઈંધણ બચાવવા અને વિદેશ પ્રવાસ ટાળવા સહિતની કેટલીક નમ્ર અપીલ કરી છે. વડાપ્રધાનના આ આહવાનને માન આપીને ગુજરાતના કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીએ દેશહિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી નિર્ણય લીધો છે. મંત્રીએ પોતાનો આગામી અમેરિકાનો સત્તાવાર પ્રવાસ સ્વૈચ્છિક રીતે રદ કરવાની જાહેરાત કરી છે.
સંયુક્ત રાષ્ટ્રના મંચ પર વક્તા તરીકે મળ્યું હતું આમંત્રણ:
ચાલુ મે માસના છેલ્લા અઠવાડિયામાં જીતુભાઈ વાઘાણી સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મુખ્યાલય, ન્યૂયોર્ક ખાતે આયોજિત ‘ઇન્ટરનેશનલ સિમ્પોઝિયમ ઓન કોઓપરેટિવ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ'માં વિશેષ વક્તા તરીકે હાજરી આપવાના હતા. ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ બેંકિંગ એસોસિએશન અને ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ દ્વારા મંત્રીને આ વૈશ્વિક મંચ પર સંબોધન કરવા માટે ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જોકે, વડાપ્રધાનના માર્ગદર્શન અને દેશની જરૂરિયાતને પ્રાધાન્ય આપી તેમણે આ તક જતી કરી છે.
ગુજરાતનું સહકારી મોડેલ વિશ્વ માટે દીવાદાંડી:
પોતાના નિર્ણય અંગે વાત કરતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતનું સહકારી મોડેલ આજે વિશ્વ માટે દીવાદાંડી સમાન છે. સંયુક્ત રાષ્ટ્ર જેવા સર્વોચ્ચ વૈશ્વિક મંચ પર ગુજરાતના આ મજબૂત સહકારી માળખા વિશે વાત કરવાની અને રાજ્યની સિદ્ધિઓને વિશ્વ સમક્ષ મૂકવાની આ એક ઉત્તમ તક હતી. પરંતુ વડાપ્રધાનનો અનુરોધ અને દેશની વર્તમાન પ્રાથમિકતાઓ હંમેશા શાસન અને શિસ્તમાં સર્વોપરી હોય છે, જેના કારણે રાષ્ટ્રહિતમાં આ પ્રવાસ રદ કરવાનો નિર્ણય લીધો છે.
રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ:
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના અર્થતંત્ર અને સંસાધનોની બચત માટે જે આહવાન કર્યું છે, તેને સ્વીકારીને મંત્રીએ લીધેલો આ નિર્ણય તેમની રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ગુજરાતના મંત્રી દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય અન્ય લોકો માટે પણ એક ઉદાહરણ પૂરું પાડે છે કે જ્યારે દેશની વાત આવે ત્યારે વ્યક્તિગત કે વ્યાવસાયિક સિદ્ધિઓ કરતા રાષ્ટ્રહિત હંમેશા ઉપર હોવું જોઈએ.
વૈશ્વિક મંચ પર ગેરહાજરી છતાં ગૌરવ:
જોકે મંત્રી આ સેમિનારમાં રૂબરૂ હાજર રહી શકશે નહીં, પરંતુ ગુજરાતના સહકારી ક્ષેત્રની સફળતાની ચર્ચાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પહેલાથી જ થઈ રહી છે. મંત્રીના આ પ્રેરણાદાયી નિર્ણયની રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે પ્રશંસા થઈ રહી છે. વડાપ્રધાનના એક વર્ષ સુધી વિદેશ પ્રવાસ ન કરવાના માર્ગદર્શનને ચુસ્તપણે અનુસરીને જીતુભાઈ વાઘાણીએ શિસ્તબદ્ધ કાર્યકર અને જવાબદાર મંત્રી તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી છે.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
