<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

કેન્દ્રીય શિક્ષણ પ્રધાનના રાજીનામાથી દેશભરમાં રાજકારણ ગરમાયું! ગુજરાત વિપક્ષે કહ્યું- "પહેલાથી જીદ છોડી શાણપણ દર્શાવ્યું હોત તો..."

NEET પેપર લીક વિવાદ, સોનમ વાંગચુકની હડતાળ અને યુવાનોના ઉગ્ર આંદોલન સામે આખરે ઝૂકી સરકાર, વિપક્ષે ગણાવી સત્તાના અહંકાર સામે જનશક્તિની ઐતિહાસિક જીત

અમદાવાદ : દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા 50 કરતાં પણ વધુ દિવસોથી NEET ગેરરીતિ અને NTA વિવાદ મુદ્દે ચાલી રહેલા દેશવ્યાપી આંદોલન બાદ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સોનમ વાંગચુકની ભૂખ હડતાળ, 'કોકરોચ જનતા પાર્ટી'ના વિરોધ પ્રદર્શન અને લાખો વિદ્યાર્થીઓના આક્રોશ સામે તંત્રને આખરે ઝૂકવું પડ્યું છે. શિક્ષણ પ્રધાનના આ રાજીનામા બાદ ગુજરાતના વિપક્ષી નેતાઓએ આક્રમક પ્રતિક્રિયા આપતાં આને અહંકારી સત્તા સામે યુવાશક્તિનો સુવર્ણ વિજય ગણાવ્યો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, આખા દેશમાં પેપર લીક વિરુદ્ધ અને શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ સાથે પ્રબળ અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. આત્મહત્યા કરનાર 21 માસૂમ વિદ્યાર્થીઓ માટે ન્યાય માંગવા લાખો યુવાનો રસ્તા પર ઉતર્યા હતા, પરંતુ સરકારે તાનાશાહી વલણ દાખવી યુવાનો અને દીકરીઓ પર લાઠીચાર્જ તથા ટીયર ગેસ છોડાવ્યા હતા. વિરોધનો વંટોળ દેશ-વિદેશ સુધી પહોંચતાં આખરે તાનાશાહ સરકારે ઝૂકવું પડ્યું છે. તેમણે દિલ્હીમાં પોલીસ દમન માટે જવાબદાર લોકો સામે પણ કડક પગલાં લેવાની માંગ કરી છે.
પૂર્વ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે યુવાનોને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, "યુવાનોની હિંમત, જોશ અને સહનશક્તિ સામે સત્તાની જીદ અને અહંકારની હાર થઈ છે. લોકશાહીમાં જે જીતાડી શકે છે, તે જો અહંકારી બને તો યુવાશક્તિ તેને ઝુકાવી પણ શકે છે. સરકારે પહેલાથી જીદ છોડી શાણપણ દર્શાવી સંઘર્ષના બદલે સંવાદ કર્યો હોત, તો આટલા લોકોને પરેશાન ન થવું પડ્યંલ હોત."
બીજી તરફ, આમ આદમી પાર્ટી (AAP) ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી અને જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ આ રાજીનામાને જન-ઝી (Gen-Z) અને યુવા શક્તિની ઐતિહાસિક જીત ગણાવી હતી. ઇસુદાન ગઢવીએ ઉમેર્યું કે સોનમ વાંગચૂકના અંશન અને યુવાનોના સ્વયંભૂ આંદોલનને વિદેશી ફંડિંગ તેમજ ચીનના એજન્ટ જેવા ખોટા આક્ષેપોથી બદનામ કરવાનો પ્રયાસ કરાયો હતો, છતાં યુવાનો અડગ રહ્યા. આ જીત સાબિત કરે છે કે જો દેશનો યુવા કંઈ નક્કી કરી લે તો તે મેળવીને જ રહે છે.

(6:43 PM IST)