<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

જાણીતા હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડે પરિવાર સાથે વસ્તી ગણતરીમાં ઓનલાઈન ફોર્મ ભરી રાષ્ટ્રીય ફરજ નિભાવી

ડિજિટલ વસ્તી ગણતરીના ભાગરૂપે પોતાના પરિવાર સાથે મળીને તમામ પ્રક્રિયાઓ સમયસર અને સફળતાપૂર્વક પૂર્ણ કરી અને લોકોને વસ્તી ગણતરીમાં સહકાર આપવા અપીલ કરી

ગુજરાતના સુપ્રસિદ્ધ અને લોકપ્રિય હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડે વસ્તી ગણતરીની કામગીરીમાં સક્રિયપણે ભાગ લઈને નાગરિક ધર્મ નિભાવ્યો છે. તેઓએ દેશમાં ચાલી રહેલી ડિજિટલ વસ્તી ગણતરીના ભાગરૂપે પોતાના પરિવાર સાથે મળીને તમામ પ્રક્રિયાઓ સમયસર અને સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. સામાન્ય રીતે સ્ટેજ પરથી લોકોને પેટ પકડીને હસાવતા શાહબુદ્દીન રાઠોડે આ વખતે એક જવાબદાર નાગરિક તરીકે સમાજ સમક્ષ એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ પ્રક્રિયા અંતર્ગત તેઓએ સત્તાવાર સરકારી પોર્ટલ પર જઈને ઓનલાઈન ફોર્મ ભર્યું હતું અને પોતાના પરિવારની સાચી તેમજ સચોટ વિગતો દાખલ કરી હતી. ઓનલાઈન માધ્યમનો ઉપયોગ કરીને રાષ્ટ્રીય ફરજ બજાવ્યા બાદ તેઓએ રાજ્યના તમામ નાગરિકોને આ મહાઅભિયાનમાં જોડાવવા માટે ખાસ અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું કે દેશના સુઆયોજિત વિકાસ માટે ચોક્કસ આંકડાઓ ખૂબ જ જરૂરી છે, જેથી દરેક વ્યક્તિએ આ પ્રક્રિયામાં આગળ આવીને વહીવટી તંત્રને સાથ આપવો જોઈએ.

આગામી સમયમાં વસ્તી ગણતરીની કામગીરી વધુ સરળ અને ઝડપી બને તે હેતુથી તેમણે લોકોને પોતાના દસ્તાવેજો અને વિગતો અગાઉથી જ તૈયાર રાખવા માટે જણાવ્યું છે. ખાસ કરીને ૩૧ મે સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરીને પોતાનું સેલ્ફ આઈડી જનરેટ કરી લેવા માટે તેમણે નાગરિકોને તાકીદ કરી છે. ડિજિટલ ઈન્ડિયાના આ યુગમાં ઘરે બેઠા જ આ સુવિધા ઉપલબ્ધ હોવાથી સમયનો બચાવ થાય છે અને સરકારી કર્મચારીઓને પણ ફિલ્ડ વર્ક દરમિયાન સરળતા રહે છે, તેમ જણાવી તેમણે લોકજાગૃતિ ફેલાવવાનો મોટો પ્રયાસ કર્યો છે.

(12:53 AM IST)