તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th October 2026
અમૂલને રાહત, રૂ.૪૩.૪૩ કરોડની GST માંગ સાથે વ્યાજ-દંડ રદ
અમૂલ બ્રાન્ડને સંકળાયેલા કરોડો રૂપિયાના ટેક્સ વિવાદમાં હાઈકોર્ટમાંથી મહત્વપૂર્ણ રાહત મળી

અમદાવાદ,તા.૧૬: ગુજરાતના જાણીતા અમૂલ બ્રાન્ડ સાથે સંકળાયેલી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિગ ફેડરેશન (GCMMF) ને ગુજરાત હાઈકોર્ટમાંથી મહત્વપૂર્ણ રાહત મળી છે. હાઈકોર્ટે GST વિભાગ દ્વારા કરવામાં આવેલી રૂ.૪૩.૪૩ કરોડની ટેક્સ માંગણી સાથે વ્યાજ અને દંડનો આદેશ રદ કર્યો છે. આ ચુકાદો ૧૪ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ આપવામાં આવ્યો હતો.
આ મામલો જુલાઈ ૨૦૧૭થી માર્ચ ૨૦૧૯ સુધીના સમયગાળાનો હતો. અમૂલની આણંદ સ્થિત મુખ્ય કચેરી દ્વારા દેશભરની શાખાઓ અને ડેપોને જાહેરાત, IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કાનૂની સેવાઓ અને અન્ય વહીવટી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી. GST વિભાગનું કહેવું હતું કે અલગ GST નોંધણી ધરાવતી શાખાઓને આપવામાં આવતી સેવાઓનો ખર્ચ ક્રોસ-ચાર્જિગ દ્વારા વહેંચવો જરૂરી હતો.
વિભાગે દાવો કર્યો હતો કે મુખ્ય કચેરીએ શાખાઓને સેવાઓ આપ્યા છતાં તેના બદલામાં યોગ્ય ટેક્સ વસૂલ્યો નહોતો. આ આધારે CGST કાયદાની કલમ ૭૪ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ૧ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ અધિકારીએ રૂ.૪૩,૪૩, ૧૨,૪૪૧ની IGST માંગણી સાથે વ્યાજ અને દંડનો આદેશ આપ્યો હતો.
જસ્ટિસ એ.એસ. સુપૈયા અને વસ્ટિસ વૈભવી ડી. નાણાવટીની બેન્ચે જણાવ્યું કે માત્ર ક્રોસ-ચાર્જિગ પદ્ધતિ ન અપનાવવાથી કરચોરી કે જાણીજોઈને માહિતી છુપાવવાનો આરોપ સાબિત થતો નથી. લાગુ પડતા GST નિયમો અને CBICની સ્પષ્ટતાઓ હેઠળ સંબંધિત શરતો પૂર્ણ થતી હોવાથી ઇનવોઇસ વગરની આંતરિક સેવાઓનું મૂલ્ય શૂન્ય ગણવાનું હતું.
હાઈકોર્ટના ચુકાદાથી GCMMF સામેની કરોડોની ટેક્સ જવાબદારીનો વિવાદ હાલના તબક્કે સમાપ્ત થયો છે. આ ચુકાદો અલગ GST નોંધણી ધરાવતી કંપનીઓની મુખ્ય કચેરી અને શાખાઓ વચ્ચે વહેંચાતી સેવાઓ અંગે પણ કાનૂની મહત્વ ધરાવે છે
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
