News of Friday, 13th November 2026
અમુલ દૂધના ભાવ વધારા મુદ્દે ચેરમેન અશોક ચૌધરીએ કહ્યું- આ નિર્ણયથી પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળશે
તેમણે કહ્યું કે ઘાસચારા અને કેટલ ફીડના ભાવમાં થયેલા વધારાની અસર ડેરી ઉદ્યોગ પર પડી છે. પશુપાલન સાથે સંકળાયેલા વિવિધ ઇનપુટ્સની કિંમતમાં વધારો થતાં ઉત્પાદન ખર્ચ પણ વધ્યો છે.

અમદાવાદ :મોંઘવારીનો માર વચ્ચે સહકારી ડેરી ક્ષેત્રની અગ્રણી બ્રાન્ડ અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા ભાવ 12 નવેમ્બર, 2026 થી અમલી બન્યા છે. આ ભાવવધારાને પગલે હવે દરરોજ દૂધ ખરીદતા ગ્રાહકોએ અગાઉ કરતાં વધુ નાણાં ચૂકવવા પડશે.
જાહેર કરાયેલા નવા ભાવ મુજબ અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લિટરે ₹4નો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે અમૂલ તાજાના ભાવમાં પ્રતિ લિટરે ₹2નો વધારો ઝીંકવામાં આવ્યો છે. દૂધની આ બંને લોકપ્રિય કેટેગરીના ભાવ વધતાં લાખો ગ્રાહકોના ઘરખર્ચ પર તેની સીધી અસર જોવા મળશે. રિટેલ આઉટલેટ્સ અને સ્થાનિક વિતરકોને પણ સુધારેલા ભાવ પ્રમાણે દૂધનું વેચાણ કરવાની સૂચના આપવામાં આવી છે.
દૂધના ભાવવધારા અંગે અમૂલ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ઘાસચારા અને કેટલ ફીડના ભાવમાં થયેલા વધારાની અસર ડેરી ઉદ્યોગ પર પડી છે. પશુપાલન સાથે સંકળાયેલા વિવિધ ઇનપુટ્સની કિંમતમાં વધારો થતાં ઉત્પાદન ખર્ચ પણ વધ્યો છે. આ વધેલી ઇનપુટ કોસ્ટને ધ્યાનમાં રાખીને દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અશોક ચૌધરીએ વધુમાં સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ પશુપાલકોને તેમના દૂધનું યોગ્ય અને પોષણક્ષમ વળતર મળે તે સુનિશ્ચિત કરવાનો છે. ભાવવધારાથી થતી વધારાની આવક સીધી ખેડૂતો અને પશુપાલકો સુધી પહોંચશે. પશુઓના નિભાવ, આહાર અને સંભાળ પાછળ સતત વધી રહેલા ખર્ચ વચ્ચે પશુપાલકોને આર્થિક રીતે યોગ્ય વળતર મળી રહે તે જરૂરી હોવાનું તેમણે જણાવ્યું છે.
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
