News of Thursday, 2nd July 2026
જૂનાગઢ અને ગીર સોમનાથમાં ‘રેડ એલર્ટ', અમદાવાદ સહિત ૧૦ જિલ્લામાં ભારે વરસાદની આશંકા
હવામાન વિભાગની કડક ચેતવણીઃ રાજ્યમાં ચોમાસું પ્રચંડ વેગે સક્રિય થતાં વહીવટી તંત્ર એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર પૂર્ણ કળાએ સક્રિય બન્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સમય માટે વરસાદની લેટેસ્ટ અને ગંભીર આગાહી જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત સૌરાષ્ટ્રના બે જિલ્લાઓમાં આકાશી આફત ઉતરે તેવી સંભાવનાને પગલે ઁરેડ એલર્ટઁ જાહેર કરાયું છે, જ્યારે અમદાવાદ અને સુરત સહિત રાજ્યના અન્ય ૧૦ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા સાથે ‘ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગના બુલેટિન અનુસાર, આજે સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા અત્યંત રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આ બંને જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાને જોતા વહીવટી તંત્રને સાબદું કરી દેવાયું છે અને નીચાણવાળા વિસ્તારોમાં ખાસ દેખરેખ રાખવા સૂચના અપાઈ છે.
રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવાના મૂડમાં છે. અમદાવાદ, સુરત, વલસાડ, નવસારી અને ભરૂચ સહિત ૧૦ જેટલા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરીને ‘ઓરેન્જ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં પણ ગમે ત્યારે કાળાડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ તૂટી પડે તેવી પૂરેપૂરી શકયતા છે.
આ સિવાય રાજ્યના અન્ય ૧૦ જિલ્લાઓમાં મધ્યમથી હળવા વરસાદની શકયતા જોતા ‘યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ તેજ રહેશે, જેના કારણે માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવાની કડક તાકીદ કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને પણ નદી-નાળા કે પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
