તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
આજે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ
તા.૨૯ સુધી મેઘરાજાનો મુકામ યથાવત રહેશે

અમદાવાદ, તા.૨૪: છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાતમાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ અને વ્યાપક જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા છે. જોકે, રાહતના કોઈ એંધાણ દેખાઈ રહ્યા નથી, કારણ કે ભારતીય હવામાન વિભાગ એ આગામી કેટલાક દિવસો સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અરબ સાગર અને બંગાળની ખાડીમાં સક્રિય થયેલી મલ્ટિપલ સિસ્ટમ્સના કારણે ગુજરાત પર ભારે વરસાદી આફત મંડરાઈ રહી છે.
આજે શુક્રવારે પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં અત્યંત આફતજનક વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. જયારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ લાગુ કરાયું છે.
કાલે શનિવારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ છે. રાજ્યના બાકીના ભાગોમાં ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન, વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી મધ્યમ અને છૂટાછવાયા ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
રવિવારે સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તથા બાકીના તમામ જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શકયતા દર્શાવાઇ છે.
આવતા અઠવાડીયે સોમવારે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદ પડશે. બાકીના ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે.
જયારે ૨૮ જુલાઈએ માત્ર બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં યલો એલર્ટ રહેશે. જ્યારે ૨૯ જુલાઈથી સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર ઘટીને માત્ર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
