<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

GST દરોમાં ઘટાડા છતાં ગુજરાતની આવકમાં રેકોર્ડબ્રેક ઉછાળો : સપ્ટેમ્બર-૨૦૨૬માં જીએસટી કલેક્શનમાં ૩૫ ટકાનો નોંધાયો ધરખમ વધારો

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં જીએસટી આવક રૂ. ૪૯,૮૫૮ કરોડે પહોંચી : સપ્ટેમ્બર માસમાં તમામ કરવેરા મળી રાજ્ય સરકારને કુલ રૂ. ૧૨,૨૨૨ કરોડની માતબર આવક પ્રાપ્ત

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર -વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને નીતિઓ હેઠળ જીએસટી (GST) ના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં, ગુજરાત રાજ્યની જીએસટી આવકમાં અભૂતપૂર્વ અને ઐતિહાસિક વધારો નોંધાયો છે. રાજ્યમાં વ્યાપાર-ઉદ્યોગ માટે અનુકૂળ વાતાવરણ અને કરદાતાઓમાં સ્વૈચ્છિક કર પાલનનો વ્યાપ ઉત્તરોત્તર વધવાને કારણે ગુજરાતે આ સિદ્ધિ હાંસલ કરી છે.

રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ આ અંગેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગત સપ્ટેમ્બર-૨૦૨૬ માસ દરમિયાન ગુજરાતને માત્ર જીએસટી હેઠળ જ રૂ. ૮,૧૬૭ કરોડની આવક પ્રાપ્ત થઈ છે. ગત વર્ષના સમાન માસ એટલે કે સપ્ટેમ્બર-૨૦૨૫માં આ આવક રૂ. ૬,૦૫૦ કરોડ હતી, જેની સરખામણીએ ચાલુ વર્ષે જીએસટી આવકમાં સીધો ૩૫% નો જંગી વધારો થયો છે. વિશેષરૂપે, આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય સ્તરે જીએસટી આવકનો વિકાસ દર ૧૪.૭% રહ્યો હતો, જેની સામે ગુજરાતનો વિકાસ દર તેના કરતા બે ગણાથી પણ વધુ એટલે કે પૂરો ૩૫% નોંધાયો છે.

પ્રથમ છ માસની આવક અને અન્ય કરવેરાની વિગતો:
મંત્રીશ્રીએ વધુ માહિતી આપતા ઉમેર્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ છ મહિના એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બર-૨૦૨૬ દરમિયાન રાજ્યને જીએસટી હેઠળ કુલ રૂ. ૪૯,૮૫૮ કરોડની કમાણી થઈ છે. ગત નાણાકીય વર્ષના સમાનગાળાની રૂ. ૩૮,૫૪૦ કરોડની આવક સામે આ વર્ષે ૨૯% નો મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે.

માત્ર જીએસટી જ નહીં, પરંતુ રાજ્યના કર વિભાગને સપ્ટેમ્બર-૨૦૨૬ દરમિયાન અન્ય કરવેરામાંથી પણ માતબર આવક સાંપડી છે. જેમાં વેલ્યુ એડેડ ટેક્સ (VAT) હેઠળ રૂ. ૨,૯૩૦ કરોડ, વિદ્યુત શુલ્ક (Electricity Duty) હેઠળ રૂ. ૧,૧૦૨ કરોડ તેમજ વ્યવસાય વેરા (Profession Tax) પેટે રૂ. ૨૪ કરોડની આવક થઈ છે. આમ, સપ્ટેમ્બર માસમાં જીએસટી સહિતના તમામ કરવેરા મળીને રાજ્ય સરકારના કર વિભાગને કુલ રૂ. ૧૨,૨૨૨ કરોડની કુલ માતબર આવક પ્રાપ્ત થઈ છે. રાજ્ય સરકારના સનિષ્ઠ પ્રયાસો, મજબૂત આર્થિક માળખા અને કરદાતાઓના સહયોગને લીધે ગુજરાત આર્થિક સમૃદ્ધિની નવી કેડીઓ સર કરી રહ્યું છે.

(9:13 PM IST)