News of Saturday, 10th October 2026
વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચોંકાવનારી ઘટના: ચોથા માળેથી કૂદકો મારનાર દર્દીનું મોત, નીચે ઊભેલા એમ્બ્યુલન્સ ચાલકનો મણકો તૂટ્યો
માનસિક અસ્વસ્થ દર્દીએ એક જ દિવસમાં બે વાર આપઘાતનો પ્રયાસ કર્યો; સર્જરી વોર્ડમાંથી ભાગીને ચોથા માળેથી લગાવી હતી છલાંગ

વડોદરા : સંસ્કારી નગરી વડોદરાની મધ્યમાં આવેલી પ્રખ્યાત સયાજી હોસ્પિટલ (SSG) ખાતેથી એક સનસનાટીભરી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત કરવા માટે કૂદકો મારનાર ૩૩ વર્ષીય યુવાન દર્દીનું ટૂંકી સારવાર બાદ કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનામાં નીચે ઊભેલા નિર્દોષ એમ્બ્યુલન્સ ચાલક પર દર્દી પટકાતાં તેને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.
બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરાના કિશનવાડી વિસ્તારમાં આવેલા શાસ્ત્રીનગરમાં રહેતા ૩૩ વર્ષીય હિતેશ રોહિત નામના યુવાને શુક્રવારે એક જ દિવસમાં બે વખત જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરિણિત અને એક પુત્રીના પિતા એવા હિતેશ હાલ બેરોજગાર હતા અને છેલ્લા કેટલાક દિવસોથી તેમની માનસિક સ્થિતિ સ્થિર ન હતી. તેમણે સવારે પોતાના ઘરે બ્લેડ વડે હાથની નસ કાપી નાખતાં પરિજનો તેમને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા.
સયાજી હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં (NCOT સર્જરી વોર્ડ) સારવાર ચાલી રહી હતી તે દરમિયાન હિતેશે પરિજનો અને તબીબી સ્ટાફની નજર ચૂકવીને અચાનક દોડ મૂકી હતી. તે લિફ્ટ અને દાદરા મારફતે ઝડપથી હોસ્પિટલના ચોથા માળે પહોંચી ગયો હતો અને ક્ષણવારમાં જ ત્યાંથી નીચે કૂદકો લગાવી દીધો હતો.
ચોથા માળેથી છલાંગ લગાવનારો હિતેશ બિલ્ડિંગની નીચે પોતાના વાહન પાસે ઊભેલા એમ્બ્યુલન્સ ચાલક પ્રિતેશ પર ધડાકાભેર આવીને પટકાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બંનેને તાત્કાલિક ઇમરજન્સી વિભાગમાં ખસેડાયા હતા, જ્યાં ગંભીર રીતે ઘવાયેલા દર્દી હિતેશનું આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બીજી તરફ, આ અણધારી આફતનો ભોગ બનેલા નિર્દોષ એમ્બ્યુલન્સ ચાલક પ્રિતેશને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં પાછળનો મણકો તૂટી ગયો છે. હાલમાં તબીબોની વિશેષ ટીમ દ્વારા એમ્બ્યુલન્સ ચાલકની સઘન સારવાર કરવામાં આવી રહી છે.
પરિજનોના જણાવ્યા મુજબ, હિતેશ છેલ્લા બે દિવસથી "મને ઘરમાં કોઈ બે-ત્રણ જણા દેખાય છે" તેમ કહીને સતત ભયભીત રહેતો હતો. હોસ્પિટલ પરિસરમાં બનેલી આ ચોંકાવનારી ઘટના અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
