<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

ચોમાસા 2026 માટે આશાનું કિરણ: વૈજ્ઞાનિક મોડલોને પછાડી 'અખાત્રીજના પવન'ના સારા સંકેત

વૈજ્ઞાનિક આગાહીઓને પડકારી પરંપરાગત પદ્ધતિ: ગુજરાતમાં વાયવ્ય, પશ્ચિમ અને ઉત્તર દિશાના પવનો સારા વરસાદનો નિર્દેશ કરે છે : વિશાલ પાનસૂરિયા

રાજકોટ:ચોમાસા 2026ના આગમન પહેલા ખેડૂતો અને નાગરિકોમાં વરસાદને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે. એક તરફ જ્યાં વિવિધ વૈજ્ઞાનિક મોડલો દ્વારા આગામી ચોમાસા માટે નબળા સંકેતો આપવામાં આવી રહ્યા છે, ત્યાં બીજી તરફ પરંપરાગત ‘દેશી વર્તારા’એ ખેડૂતોમાં નવી આશા જગાવી છે. હવામાનના જાણકાર વિશાલ પાનસૂરિયાના મતે, અખાત્રીજના દિવસે ફૂંકાયેલા પવનોની દિશા સારા ચોમાસાના એંધાણ આપી રહી છે.

શું કહે છે દેશી વર્તારો?

વિશાલ પાનસૂરિયાએ આ અંગે મહત્વની વિગતો આપતા જણાવ્યું કે, ચોમાસા માટેના આધુનિક વૈજ્ઞાનિક મોડલો ભલે નબળા વરસાદની આશંકા વ્યક્ત કરી રહ્યા હોય, પરંતુ અખાત્રીજના દિવસે પવનની દિશા ખૂબ જ પોઝિટિવ જોવા મળી છે. પરંપરાગત માન્યતા મુજબ, આ સમયના પવનની દિશા આગામી ચોમાસાના વરસાદનું ચોક્કસ અનુમાન કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.

પવનની દિશા શા માટે મહત્વની?

આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાયવ્ય (North-West), પશ્ચિમ અને ઉત્તર દિશાના પવનો ફૂંકાયા હતા. અમુક સીમિત વિસ્તારોને બાદ કરતા, લગભગ સમગ્ર રાજ્યમાં જોવા મળેલી આ પવનની દિશા સારા વરસાદ તરફ ઈશારો કરે છે. આ પરંપરાગત સંકેત વૈજ્ઞાનિક ગણતરીઓની સરખામણીએ વધુ આશાસ્પદ અને સકારાત્મક દેખાઈ રહ્યો છે, જે રાજ્યના ખેડૂતો માટે રાહતરૂપ સમાચાર બની શકે છે.

(12:28 PM IST)