<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

રાજપીપળા નગરપાલિકા ટીમે 15, 20 ગાય પકડી સંતોષ માન્યો : ગામમાં 500 જેવી ગાય રખડે છે, બીજી ક્યારે પકડશે..?

દરબાર રોડ પારેખ ખડકી અને માલીવાડમાં દરરોજ 25 જેવી ગાય ફરી ગંદકી કરે છે, રજૂઆત બાદ પણ કોઈ પગલા લેવાયા નથી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા શહેરમાં અંદાજે 500 જેવી ગાય મુખ્ય માર્ગ અને નાની નાની ગલીઓમાં રખડે છે જેમાં ખાસ મળ, મૂત્રથી થતી ગંદકી માં રોગચાળો ફેલાય તેમ જણાય રહ્યું છે.
  મળતી માહિતી મુજબ રાજપીપળાના મુખ્ય માર્ગ અને ખાસ કરીને દરબાર માર્ગ ઉપર રાત્રે તેમજ દરબાર રોડ પારેખ ખડકી તથા માલીવાડ વોર્ડ નંબર. 5માં ઘણા મહિનાઓ થી લગભગ 25 જેટલી ગાય રખડે છે જે ક્યારેક અચાનક દોડે તો વાહનોને પણ નુકશાન પહોંચાડે છે અને ફળિયામાં જ આવેલા મંદિરે દર્શન કરવા જતા સિનિયર સિટીઝનોને પણ અડફટે લે તેમ હોય દર્શન માટે જતા સિનિયર સિટીઝનો પણ મંદિરે જતા ગભરાય છે. 
પારેખ ખડકી અને માલીવાડના કેટલાક જાગૃત વ્યક્તિઓ આ ગાયોને ભગાડે છે પરંતુ દસ જ મિનિટમાં ગાયો ફરી આ ગલીઓ માં ફરતી નજરે પડે છે અને મળ, મૂત્ર કરી આખી ગલીમાં ગંદકી કરતા સ્થાનિકો ને રોગચાળો ફેલાય તેવી દહેશત છે. સફાઈ કામદાર સફાઈ કરી ગયા બાદ ગાયો ગંદકી કરતા આખો દિવસ સ્થાનિકો ગંદકીમાં રહે છે, જેના કારણે મચ્છરનો પણ ઉપદ્રવ વધ્યો છે માટે ડેન્ગ્યુ કે મેલેરિયા થવાનો પણ સ્થાનિકોને ડર છે. જોકે આ માટે પાલિકા માં રજૂઆત કરવા છતાં આ ગાયોને પકડવા કોઈ આવતું નથી. તો શું રોગચાળો ફેલાય ત્યારબાદ પાલિકા તંત્ર પગલા લેશે..? કડક ચીફ ઓફિસર આ ગંભીર બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ છે

(10:34 PM IST)