<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

રાજપીપળા ડૉ. આંબેડકર ભવન ખાતે ઉદ્યોગ સાહસિક જાગૃતિ અને માર્કેટ એક્સેસ વિષયક કાર્યક્રમનું આયોજન થયું

કાર્યક્રમના લાભાર્થી તરીકે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના હાલમાં કાર્યરત ઉદ્યોગસાહસિકો તેમજ ભાવિ ઉદ્યોગસાહસિકો હાજર રહ્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા વડિયા ચોકડી ખાતે આવેલ ડૉ. આંબેડકર ભવન ખાતે દલિત ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (DICCI) ગુજરાત ચેપ્ટર દ્વારા નેશનલ એસસી એસટી હબ, સુરત બ્રાંચ (ભારત સરકાર)ના સહયોગથી “ઉદ્યોગ સાહસિક જાગૃતિ અને માર્કેટ એક્સેસ” વિષયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના લાભાર્થી તરીકે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના હાલમાં કાર્યરત ઉદ્યોગસાહસિકો તેમજ ભાવિ ઉદ્યોગસાહસિકો હાજર રહ્યા હતા.

    કાર્યક્રમની શરૂઆત બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને માલ્યાપર્ણ તથા ફૂલહાર અર્પણ કરી અને દીપ પ્રજ્વલિત કરીને કરવામાં આવી હતી. ગુજરાતના પ્રમુખ નીરજકુમારે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું. કુલદીપ સિંહ રાજપુતે નેશનલ એસસી એસટી હબની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. MSME-DFO અમદાવાદના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઉમેશ શર્માએ ભારત સરકારના MSME મંત્રાલયની યોજનાઓનું વિગતવાર માર્ગદર્શન આપ્યું. યુકો બેંક, વડોદરા બ્રાંચના ચીફ મેનેજરશએ લોન, બેંકિંગ સિસ્ટમ અને પ્રોજેક્ટ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી. ONGC મહેસાણા એસેટના રવિ જૈને ONGCની ટેન્ડર પ્રક્રિયા અને ખરીદી પદ્ધતિ અંગે માર્ગદર્શન આપ્યું. ઇન્ડિયન રેલ્વેના સતીશ તિવારીએ રેલ્વેની ખરીદી પ્રક્રિયા અને પ્રોડક્ટ સંબંધિત માહિતી આપી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC)ના વિમલ ચૌહાણ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.
  DICCI ગુજરાત ચેપ્ટરના સ્ટેટ કો-ઓર્ડિનેટર કમલેશભાઈ રાણાએ GeM પોર્ટલ અંગે માહિતી આપી હતી.DICCI ગુજરાત ચેપ્ટરના વાઇસ પ્રેસિડેન્ટ પ્રવીણ ભાટિયાએ DICCI પ્રેઝન્ટેશન રજૂ કર્યું.
કાર્યક્રમનું સ્ટેજ મેનેજમેન્ટ DICCI કોર ટીમના સભ્યો આશિષભાઈ પરમાર અને અજયભાઈ વાળા દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે DICCI કોર ટીમના સભ્ય અનિલ સુતરિયાએ આભાર વિધાન રજૂ કર્યું

(10:22 PM IST)