<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

ભાવનગર, પાલીતાણા, વિંછીયા, હાથસણી, મોઢુકા, પીપરડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

ગુજરાતમાં ચોમાસું હવે ધીમે ધીમે જોર પકડી રહ્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન સારો વરસાદ નોંધાયો છે. જેના કારણે લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે. ભાવનગર, પાલીતાણા, વિંછીયા, હાથસણી, મોઢુકા, પીપરડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આ વરસાદ આગામી વાવણી માટે અનુકૂળ માનવામાં આવી રહ્યો છે.

 

 

ભાવનગર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. પાલીતાણાના નાગરાજ વિસ્તાર ઉપરાંત વિરપુર, જામવાળી અને લુહારવાવ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ હાજરી નોંધાવી હતી. બીજી તરફ, રાજકોટ જિલ્લાના વિંછીયા અને આસપાસના ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમી અને બફારાથી પરેશાન લોકો માટે વરસાદ રાહત લઈને આવ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ વરસાદ ખેતી અને વાવણી માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે.

 

 

દક્ષિણ ગુજરાતના નર્મદા અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે કેટલીક જગ્યાએ મુશ્કેલીઓ પણ સર્જાઈ છે. નર્મદાના સાગબારા, સેલંબા અને ડેડીયાપાડા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા નદીઓ અને નાળાઓમાં નવા નીરની આવક થઈ છે. ડુમખલ નજીક તારવ નદીમાં પાણીનો પ્રવાહ વધતા મહારાષ્ટ્ર તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સાગબારામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. સેલંબા નજીક એક મહિના પહેલાં બનાવવામાં આવેલું નાળું ભારે પાણીના પ્રવાહમાં ધોવાઈ જતાં વિકાસકાર્યોની ગુણવત્તા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. ડાંગ જિલ્લાના વઘઈ, સાપુતારા અને આહવામાં સતત ત્રીજા દિવસે વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.

 

હવામાન વિભાગ (IMD) અનુસાર આગામી 30 જૂન સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને બોટાદમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ અને વરસાદની સંભાવના છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની અને સાંજ કે રાત્રે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

(11:33 PM IST)