<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

સાગબારામા વરસાદી માહોલ સર્જાયો, બે દિવસ માં 58 મિમી વરસાદ પડ્યો : આજે પણ વરસાદ ચાલુ

રે એકમાત્ર સાગબારા તાલુકાને બાદ કરતા સમગ્ર નર્મદા જિલ્લો કોરો રહ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :સવારે એક કલાકમાં ધોધમાર વરસાદ પડયા બાદ મંગળવારે પણ સાગબારા તાલુકામાં વરસાદ પડ્યો હતો અને આજે બુધવારે પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.
સોમવારે સાગબારા તાલુકામાં સવારે એક કલાક સુધી 39 મિમી જેટલો ધોધમાર વરસાદ પડ્યો હતો ત્યારે મંગળવારે પણ મોડી રાત્રે વરસાદ પડવાની શરૂઆત થઇ હતી જે બુધવારે પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. મંગળવારે એક માત્ર સાગબારા તાલુકાને બાદ કરતા સમગ્ર નર્મદા જિલ્લો કોરો રહ્યો હતો. જ્યારે સોમવાર અને મંગળવારે સાગબારમાં પડેલો વરસાદ 58 મિમી જેટલો નોંધાયો છે. અને બુધવારે પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.છેલ્લા કેટલાક દિવસોથી તાલુકામાં ગરમીનો પારો આસમાને ચઢ્યો હતો જે વરસાદ વરસી પડતા લોકોને ગરમીથી રાહત મળી હતી.
વરસાદ પડતાં હવે તાલુકામાં ચોમાસુ બેસી રહ્યું હોય તેવો માહોલ સર્જાયો છે. ધરતીપુત્રો પણ ખેતીકામ માં જોતરાઈ ગયા છે.નર્મદા જિલ્લાની વાત કરીએ તો મંગળવારે એકમાત્ર સાગબારા તાલુકામાં 19 મિમી વરસાદ નોંધાયો છે. ત્યારે તારીખ 24,6 ના રોજ સવારે 6 કલાકે પુરા થતા 24 કલાક દરમ્યાન તિલકવાડા તાલુકામાં 29 મિમી, નાંદોદ તાલુકામાં 7 મિમી, ડેડીયાપાડા તાલુકામાં 16 મિમી,સાગબારા તાલુકામાં 58 મિમી, ગરૂડેશ્વર તાલુકામાં 29 મિમી અને ચીકદા તાલુકામાં 16 મિમી વરસાદ નોંધાયો છે.
પહેલા વરસાદે જ સેલંબા નવાપાડા વચ્ચે રસ્તો , નાળુ અને રસ્તાની સાઈડો નું ધોવાણ થયું
હજી સાગબારા તાલુકામાં વરસાદી માહોલ જોઈએ તેવો સર્જાયો નથી ત્યાં પહેલા વરસાદે જ નાળા નું ધોવાણ થયું હોવાનું જાણવા મળ્યું છે. સાથે રસ્તા સહિત રસ્તાની સાઈડો પણ ધોવાણ થઈ છે.વેપારી મથક સેલંબા થી નવાપાડા ગામને જોડતો રસ્તો અને નાળા નું એકજ વરસાદ પડતાં જ ધોવાણ થયું છે. રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં હતા.અને રસ્તાનું પણ ધોવાણ થયું છે.પાઇપો બહાર નીકળી આવી છે. કપચીઓ પણ નીકળી ગઈ છે.નાળા માં માત્ર પથ્થરોથી પુરાણ કરાયું હોવાનું દેખાય આવે છે. હજી તો આ નાળુ બનાવવાને માંડ 6 મહિના પણ નથી થયા ત્યાં નાળા નો આવો હાલ છે ત્યારે સામાન્ય વરસાદ પડતા નાળા માં કરાયેલો ભ્રષ્ટાચાર બહાર નીકળી આવ્યો છે. હવે જો આને વહેલી તકે સમારકામ નહિ કરવામાં આવે તો ચોમાસા દરમિયાન આ નાળાનું વધુ ધોવાણ થશે અને તેના પરથી વાહન વ્યવહાર ની અવરજવર પર અસર પડશે.ત્યારે આવનારા દિવસોમાં આ નાળાનો કેવો હાલ થાય છે તે જોવું રહ્યું.શુ આ નાળુ બનાવનાર કોન્ટ્રાકટર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે ખરી ?કે પછી માત્ર સમારકામ કરાવી સંતોષ માનવો રહ્યો ?

(10:23 PM IST)