<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

અમદાવાદમાં મિની વાવાઝોડા સાથે વરસાદી માહોલ : રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠું : કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી : જુઓ વિડીયો

સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતાતુર : અમરેલીના ગીર પંથકમાં કેરીના પાકને નુકસાનની ભીતિ વચ્ચે હવામાન વિભાગનું ૧૩ જિલ્લાઓમાં એલર્ટ

અમદાવાદ:ગુજરાતમાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવતા રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં રાત્રિના સમયે મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેમાં એસ.જી. હાઈવે, મકરબા સહિતના અનેક વિસ્તારોમાં સુસવાટા મારતા પવન સાથે વરસાદ પડતા ગરમીથી રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં આ પ્રકારે પલટો જોવા મળી રહ્યો છે.

સૌરાષ્ટ્ર અને ગીર પંથકમાં કેરીના પાક પર જોખમ:

હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં મેઘગર્જના સાથે માવઠું થયું છે. ખાંભા ગીરના ખડાધાર, નાનુડી, પીપળવા, ચતુરી ગામો તેમજ ધારી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. ભર ઉનાળે થયેલા આ વરસાદને કારણે આ પંથકના પ્રખ્યાત કેરીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.

કચ્છ અને ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ:

કચ્છ જિલ્લાના ભચાઉ પંથકમાં પણ કડોલ, માય અને લાખાવટ સહિતના ગામોમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં મોડાસા, માલપુર, મેઘરજ અને શામળાજી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. દાહોદ જિલ્લામાં આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ધોધમાર વરસાદી ઝાપટાં પડતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. મહીસાગરના કડાણા અને ખાનપુર પંથકમાં પણ માવઠાની અસર જોવા મળી હતી.

હવામાન વિભાગની આગાહી અને એલર્ટ:

ઇન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD) ના જણાવ્યા અનુસાર, હજુ પણ રાજ્યના ૧૩થી વધુ જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાવાની સાથે હળવા કમોસમી વરસાદની શક્યતા રહેલી છે. પંચમહાલ જિલ્લાના ગોધર ઉતર, જોગણ અને સરસવા વિસ્તારોમાં પણ વરસાદથી ગરમીમાં ઘટાડો થયો છે. જોકે, એક તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો બીજી તરફ આ કમોસમી વરસાદે ખેતીના તૈયાર પાક સામે ગંભીર સંકટ ઊભું કર્યું છે.

(10:42 PM IST)