<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

ખેડાના મહેમદાવાદ પંથકમાં વરસાદી માહોલ :સિહુંજ, નવાગામ અને રુદન સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો

ગરમીથી અકળાયેલા લોકોને આંશિક રાહત મળી પરંતુ ખેતરોમાં બાજરીના ઉભા પાક અથવા લણણી કરી રાખેલા કૃષિ ઉત્પાદનોને નુકસાન થવાની ભીતિ

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકા અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક કમોસમી વરસાદ ખાબકતાં સમગ્ર પંથકમાં ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વાતાવરણમાં ફેરફારની આગાહીના પગલે સવારથી જ આકાશ વાદળછાયું જોવા મળ્યું હતું. ત્યારબાદ અચાનક જ તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ શરૂ થયો હતો, જેના કારણે સ્થાનિક ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.

 

મહેમદાવાદ તાલુકાના ગ્રામીણ વિસ્તારો જેવા કે સિહુંજ, નવાગામ, નવચેતન અને રુદન સહિતના અનેક ગામોમાં માવઠું થવાના અહેવાલો મળી રહ્યા છે. ધોધમાર તો ક્યાંક હળવા વરસાદી ઝાપટાંને કારણે રસ્તાઓ ભીના થઈ ગયા હતા. વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે. ગરમીથી અકળાયેલા લોકોને આંશિક રાહત મળી છે, પરંતુ જગતના તાત માટે આ આકાશી આફત સાબિત થઈ શકે છે.

 

 

કમોસમી વરસાદના કારણે સૌથી મોટી માઠી અસર કૃષિ ક્ષેત્ર પર પડવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતરોમાં બાજરીના ઉભા પાક અથવા લણણી કરી રાખેલા કૃષિ ઉત્પાદનોને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કલાકોમાં પણ જિલ્લાના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની પ્રબળ શક્યતા છે, જેને પગલે વહીવટી તંત્ર અને ખેડૂતોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

 

(1:17 PM IST)