<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ :જલાલપોર પંથકમાં સવા ઇંચ જેટલો વરસાદ

વહેલી સવારથી જ નવસારી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ

નવસારી જિલ્લામાં ચોમાસાના વિધિવત આગમનની સાથે જ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો હતો, જેમાં વહેલી સવારથી જ નવસારી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને સ્થાનિકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી છે. આજે સવારે જલાલપોર અને ગણદેવીમાં 2-2 મિ.મી. વરસાદ વરસ્યો છે.

નવસારી કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ મુજબ, ગત રાત્રે 10 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીના સમયગાળામાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આ આઠ કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ જલાલપોર પંથકમાં નોંધાયો હતો, જ્યાં સવા ઇંચ એટલે કે લગભગ 31.75 મિ.મી. જેટલો વરસાદ વરસ્યો હતો. તેમજ નવસારી શહેરમાં પણ સવારથી જ ધીમી ધારે અવિરત વરસાદ ચાલુ રહ્યો હતો. જોકે, જિલ્લાના અન્ય તાલુકાઓમાં હાલ પૂરતો વરસાદ થંભી ગયો છે, પરંતુ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયેલા હોવાથી ગમે ત્યારે ફરીથી વરસાદ તૂટી પડે તેવો માહોલ સર્જાયો છે.

નવસારી જિલ્લામાંથી પસાર થતી મુખ્ય નદીઓની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. રાહતની વાત એ છે કે તમામ નદીઓ હાલ પોતાની ભયજનક સપાટીથી ઘણી નીચે વહી રહી છે, વર્તમાન સ્થિતિની વાત કરીએ તો, 23 ફૂટની ભયજનક સપાટી ધરાવતી પૂર્ણા નદી હાલ 8 ફૂટ પર વહી રહી છે. જ્યારે 28 ફૂટની ભયજનક સપાટી ધરાવતી અંબિકા નદી 11 ફૂટ પર અને 18 ફૂટની ભયજનક સપાટી ધરાવતી કાવેરી નદી હાલ 8 ફૂટની સપાટી પર વહી રહી છે.

વરસાદી આગમનની સાથે જ નવસારી જિલ્લાની જીવાદોરી સમાન જળાશયોમાં પણ નવા પાણીની આવક શરૂ થઈ ગઈ છે, જેનાથી તંત્ર અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જિલ્લાના મુખ્ય એવા જૂજ ડેમની સપાટી હાલ 147.80 ફૂટે પહોંચી છે, જેનું ઓવરફ્લો લેવલ 167.5 ફૂટ છે. આ સાથે જ કેલીયા ડેમની સપાટી 99.13 ફૂટ નોંધાઈ છે, જેનું ઓવરફ્લો લેવલ 113.5 ફૂટ છે. મેઘરાજાના આ પ્રારંભિક હરખથી ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી ગયો છે.

 

(1:46 PM IST)