<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

અમદાવાદ મનપા બોર્ડ બેઠકમાં વરસાદી પાણી ભરાવા, રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ અને વેપારીઓને થયેલા નુકસાનના મુદ્દે વિપક્ષે તંત્રને ઘેર્યુ

વરસાદી સ્થિતિને લઈને મેયર અને મ્યુનિસિપલ કમિશનરના રાજીનામાની માંગ સાથે વિપક્ષે આકરા સવાલો ઉઠાવ્યા: તંત્રએ ભારે વરસાદ છતાં ઝડપી પાણી નિકાલની કામગીરીનો દાવો કર્યો.

અમદાવાદ મહાનગરપાલિકાની બોર્ડ બેઠકમાં આજે વરસાદી પાણી ભરાવા, રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ અને વેપારીઓને થયેલા નુકસાનના મુદ્દે વિપક્ષે તંત્રને ઘેર્યું. વરસાદી પરિસ્થિતિને લઈને મેયર અને મ્યુનિસિપલ કમિશનરના રાજીનામાની માંગ સાથે વિપક્ષે આકરા સવાલો ઉઠાવ્યા, જ્યારે તંત્રએ ભારે વરસાદ છતાં ઝડપી પાણી નિકાલની કામગીરીનો દાવો કર્યો.

 

બોર્ડ બેઠક દરમિયાન પૂર્વ વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને આક્રમક રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે જેમ પેપર લીક મામલે શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું હતું, તેમ શહેર “લીક” થયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને તેના માટે જવાબદાર મેયર અથવા મ્યુનિસિપલ કમિશનરે રાજીનામું આપવું જોઈએ.તેમણે વધુમાં સવાલ ઉઠાવ્યો કે જો પૂરતી સુવિધા અને આયોજન ન હતું તો બોપલ-ઘુમા વિસ્તારને અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં શા માટે સામેલ કરવામાં આવ્યો. કરોડો રૂપિયાના ખર્ચે ડ્રેનેજ લાઈનો નાખવામાં આવી, વર્લ્ડ બેંકની લોન લેવામાં આવી છતાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા કેમ યથાવત છે તે અંગે પણ તેમણે સવાલો કર્યા.વિપક્ષના આક્ષેપોને જવાબ આપતા વોટર કમિટી ચેરમેન ધરમશી દેસાઈએ જણાવ્યું કે શહેરમાં અસામાન્ય અને ભારે વરસાદ પડ્યો હતો. તેમ છતાં મહાનગરપાલિકાની ટીમોએ સતત કામગીરી કરીને મોટા ભાગના વિસ્તારોમાંથી ઝડપથી પાણીનો નિકાલ કર્યો હતો અને સ્થિતિને નિયંત્રણમાં લાવવામાં આવી હતી.

 

બોર્ડ બેઠકમાં થોડા દિવસ પહેલાં રામોલ વિસ્તારમાં થયેલા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટનો મુદ્દો પણ ગુંજ્યો હતો. પૂર્વ વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે આ ઘટનામાં તંત્રની બેદરકારીના કારણે નિર્દોષ લોકોના મોત અને અનેક લોકો ઘાયલ થયા હોવાનો આક્ષેપ કર્યો. તેમણે જણાવ્યું કે જવાબદાર લોકો સામે હજુ સુધી કડક કાર્યવાહી કરવામાં આવી નથી અને તંત્ર લોકોની સલામતી પ્રત્યે ગંભીર નથી.વરસાદના કારણે શહેરના અનેક વેપારીઓને થયેલા નુકસાનનો મુદ્દો પણ બોર્ડ બેઠકમાં ઉઠાવવામાં આવ્યો હતો. વિપક્ષે રજૂઆત કરી હતી કે વેપારીઓને ભારે આર્થિક નુકસાન થયું છે, તેથી તેમને મિલકત વેરા સહિત અન્ય ટેક્સમાં રાહત આપવામાં આવે તેમજ યોગ્ય આર્થિક સહાય આપવામાં આવે. વિપક્ષે દાવો કર્યો કે આ સ્થિતિ તંત્રની નિષ્ફળતાનું પરિણામ છે અને અસરગ્રસ્તોને તાત્કાલિક રાહત મળવી જોઈએ.

(7:39 PM IST)