<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

ડાંગ જિલ્લામાં વાવઝોડા સાથે વરસાદે ભારે તબાહી સર્જી : ખેર્યા ગામની પ્રાથમિક શાળાને મોટું નુકશાન

સરહદીય વિસ્તારોમાં અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થવાની સાથે વીજળીના થાંભલા પણ નમી પડ્યા

ડાંગ જિલ્લામાં વહેલી સવારે વાવાઝોડા સાથે પડેલા કમોસમી વરસાદે ભારે તબાહી સર્જી છે. આ વાવાઝોડાની અસરને પગલે આહવા, વઘઈ, સુબીર અને સાપુતારા સહિતના સરહદીય વિસ્તારોમાં મોટાપાયે નુકસાન નોંધાયું છે. વાવાઝોડાના પ્રચંડ પવનને કારણે ખેર્યા ગામની પ્રાથમિક શાળાને ગંભીર અસર પહોંચી છે. શાળાના ઓરડાઓ પર લગાવવામાં આવેલા પતરાના શેડ પવનના સુસવાટામાં ઉડીને દૂર જઈને પડ્યા હતા. 

 આ ઘટનામાં શાળાના શેડ ઉપરાંત આસપાસના અન્ય મકાનોને પણ વ્યાપક નુકસાન થયું છે. સ્થાનિક સરપંચના જણાવ્યા અનુસાર, કુદરતી આફતને લીધે અંદાજે 8 થી 9 લાખ રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે. વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. તંત્ર દ્વારા નુકસાનીના આંકડા અને સ્થિતિનો તાગ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શિક્ષણ કાર્ય ખોરવાઈ જવાની ભીતિ વચ્ચે શાળાની મરામત તાત્કાલિક કરવા માંગ ઉઠી છે. સરહદીય વિસ્તારોમાં અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થવાની સાથે વીજળીના થાંભલા પણ નમી પડ્યા છે.

(8:53 PM IST)