તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
રાજ્યના 62 તાલુકાઓમાં વરસાદ :સૌથી વધુ નવસારીમાં 3.7 ઈંચ અને સાવરકુંડલામાં 3.11 ઈંચ વરસાદ ખાબક્યો
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે મેઘમહેર :સુરત, કામરેજ અને ધરમપુરમાં પણ 2 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત .

ગુજરાત રાજ્યમાં ચોમાસું જામ્યું છે. રાજ્યના હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 62 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ શરૂ થયેલા આ વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સામે આવી છે.
સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લામાં નોંધાયો છે. નવસારીમાં ધોધમાર 3.7 ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું. આ સિવાય સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે, જ્યાં 3.11 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડના ધરમપુરમાં પણ 2.76 ઈંચ વરસાદ પડતાં નદી-નાળા છલકાયા છે.
દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા સુરતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સુરત શહેરમાં 2.4 ઈંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સુરતની બાજુમાં આવેલા કામરેજમાં 2.36 ઈંચ વરસાદ થયો છે. આ સિવાય જલાલપોરમાં 2 ઈંચ જ્યારે ખેડાના વસોમાં (Vaso) 1.85 ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યના અન્ય વિસ્તારોની વાત કરીએ તો, પલસાણામાં 1.85 ઈંચ અને નાના પૌંઢામાં 1.70 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અંબિકા અને મહુવા પંથકમાં પણ 1.61 ઈંચ જેટલો વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ ગુજરાતના વિવિધ ભાગોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
