તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ: તાપીના સોનગઢમાં આંધી-વંટોળ બાદ ઝાપટા :ધરમપુર અને કપરાડામાં ઝરમર વરસાદ
અણધાર્યા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી: કેરી સહિતના ઉનાળુ પાકમાં નુકસાનની શક્યતાને જોતા ખેડૂતો ચિંતિત થયા

રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. જેમાં રાજ્યના અલગ-અલગ ભાગોમાં ભરઉનાળે વરસાદી માહોલ છવાઈ રહ્યો છે. એવામાં આજે પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં મોસમમાં પલટો જોવા મળ્યો હતો અને કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા.
નર્મદા જિલ્લામાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતુ. જો કે બપોર બાદ અચાનક આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતુ અને ડેડીયાપાડામાં કરા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને અસહ્ય બફારામાંથી રાહત મળી છે, તો બીજી તરફ ખેડૂતોને ઉનાળુ પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
વલસાડ જિલ્લામાં પણ સવારથી અસહ્ય બફારાના કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા હતા. એવામાં બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતાં વરસાદ પડ્યો હતો. ખાસ કરીને ધરમપુર અને કપરાડામાં ઝરમર વરસાદ શરૂ થતાં લોકો ભીંજાવા માટે રસ્તા પર ઉતરી પડ્યા હતા.
તાપી જિલ્લાના સોનગઢમાં પણ આખો દિવસ અસહ્ય ઉકળાટના અંતે તોફાની ઠંડો પવન ફૂંકાતા રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સોનગઢમાં છાંટા પડ્યા હતા, પરંતુ ગ્રામ્ય પંથકમાં તોફાની વરસાદી ઝાપટા પડ્યા હતા. આમ અણધાર્યા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ કેરી સહિતના ઉનાળુ પાકમાં નુકસાનની શક્યતાને જોતા ખેડૂતો ચિંતિત થયા છે.
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
