તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
ચાલુ ટ્રેનમાંથી નીચે પડી ગયેલા મુસાફરને રેલવે તંત્રએ યોગ્ય વળતર ચૂકવવું પડશે
વળતર નકારતો રેલવે ટ્રિબ્યુનલનો હુકમ હાઇકોર્ટ દ્વારા રદ : રેલ અકસ્માતમાં મુસાફરની બેદરકારી કરતાં દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે તે જોવું વધુ જરૂરી, વળતર માટે આઠ સપ્તાહની મુદ્દત

અમદાવાદ,તા.૧૫: વર્ષ ૨૦૧૫માં ચાલું ટ્રેનમાંથી પગ લપસી પડવાના કારણે પડી જવાથી પગની આંગળીઓ કપાઈ જવા સહિતની ગંભીર ઈજાઓનો ભોગ બનનાર મુસાફરને યોગ્ય વળતર ચૂકવવાનો ઈનકાર કરવાના રેલવે ટ્રિબ્યુનલના હુકમને ગુજરાત હાઇકોર્ટે ગેરકાયદે અને રદબાતલ ઠરાવ્યો છે. તેમજ સમગ્ર કેસ ફરીથી રેલવે ટ્રિબ્યુનલને મોકલી આપી આઠ સપ્તાહની અંદર અરજદારને મળવાપાત્ર વળતરની રકમ નક્કી કરી ચૂકવી આપવા હુકમ કર્યો હતો.
ચાલું ટ્રેને સર્જાયેલા અકસ્માત દરમિયાન ઈજાના કેસમાં વળતર ચૂકવવાનો ઈનકાર કરવાના રેલવે ટ્રિબ્યુનલના હુકમને પડકારતી રિટ અરજીમાં અરજદારપક્ષ તરફથી જણાવાયું હતું કે, અરજદાર ગત તા.૭-૧-૨૦૧૫ ના રોજ બાવળાથી ધોળકા ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેનમાં ભારે ભીડ હોવાના કારણે તેઓ દરવાજા પાસે ઉભા હતા, ત્યારે ચાલુ ટ્રેને અચાનક પગ લપસી પડવાના કારણે તે નીચે પડી ગયા હતા અને ગંભીર ઈજાઓ પહોંચી હતી એટલે સુધી કે, પગની આંગળીઓ પણ
, ગુમાવવી પડી હતી. રેલવે ટ્રિબ્યુનલ સમક્ષ વળતર માટે તેમણે દાવો કર્યો હતો. જો કે, રેલવે ટ્રિબ્યુનલે એવા ગ્રાઉન્ડ પર અરજદારનો દાવો નકારી કાઢયો હતો કે, અરજદાર એ વખતે ટ્રેનમાં વગર ટિકિટે મુસાફરી કરી રહ્યા હતા અને તેઓ પોતે બેદરકાર રહ્યા હતા. તેથી તેમને વળતર મળવાપાત્ર નથી. જો કે, અરજદારે હાઈકોર્ટને જણાવ્યું કે, રેલવેમાં મુસાફરીમાં ઇજા થઈ હોય તો હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટના . સંબંધિત ચુકાદા મુજબ, રેલવે સત્તાવાળાઓ વળતર ચૂકવવા માટે બંધાયેલા છે. રેલ્વે ટ્રિબ્યુનલનો હુકમ અયોગ્ય અને ભૂલભરેલો છે. અરજદારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખતાં હાઈકકોર્ટે સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદાઓને ટાંકતાં જણાવ્યું કે, માત્ર ટિકિટ ના મળવી એ પુરાવો નથી કે પેસેન્જર અધિકૃત ન હતો. જો અરજદાર સોગંદનામા પર જણાવે કે, તેમની પાસે ટિકિટ હતી તો પછી તેને સાબિત કરવાની જવાબદારી રેલવેની બની જાય છે. રેલવે અકસ્માતના કિસ્સામાં બેદરકારી કરતાં દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે કે નહી તે જ જોવાનું જરૂરી હોય છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
