તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
અંબાજી ભાદરવી પૂનમ મેળાના શ્રદ્ધાળુઓ માટે રેલવેની મોટી ભેટ: અસારવા-ખેડબ્રહ્મા સ્પેશિયલ અને 'નમો ભારત રેપિડ રેલ'ને મળ્યા વધારાના સ્ટોપેજ!
ખેડબ્રહ્મા સ્ટેશનથી જ મા અંબેના ધામ માટે સીધી બસ સેવા શરૂ: તલોદ, પ્રાંતિજ, ઈડર અને વોંઘ સ્ટેશન પર ટ્રેનો રોકાતાં લાખો માઈભક્તોની મુસાફરી બનશે આસાન

અમદાવાદ: અંબાજી ખાતે યોજાનારા વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમના મહામેળામાં હાજરી આપવા જઈ રહેલા લાખો શ્રદ્ધાળુઓ અને માઈભક્તો માટે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા અત્યંત રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. મેળા દરમિયાન યાત્રીઓની ભારે ભીડને પહોંચી વળવા અને સરળ કનેક્ટિવિટી પૂરી પાડવાના હેતુથી અસારવા-ખેડબ્રહ્મા મેળા સ્પેશિયલ ટ્રેન તેમજ નવીનતમ 'નમો ભારત રેપિડ રેલ'ને વિવિધ સ્ટેશનો પર વધારાના કામચલાઉ સ્ટોપેજ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
રેલવે વિભાગ દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, ટ્રેન નંબર ૦૯૪૦૫/૦૯૪૦૬ અસારવા-ખેડબ્રહ્મા-અસારવા મેળા સ્પેશિયલ ટ્રેન ૨૧ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન તલોદ, પ્રાંતિજ, જાદર અને ઈડર સ્ટેશનો પર વિશેષ રોકાણ કરશે. આ ઉપરાંત, અમદાવાદ-ભુજ-અમદાવાદ વચ્ચે દોડતી ટ્રેન નંબર ૯૪૮૦૧/૯૪૮૦૨ 'નમો ભારત રેપિડ રેલ'ને ૨૧ થી ૨૪ સપ્ટેમ્બર દરમિયાન વોંઘ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ ફાળવવામાં આવ્યું છે, જેનાથી કચ્છ અને ઉત્તર ગુજરાત તરફથી આવતા પદયાત્રીઓને સીધો ફાયદો થશે.
ખેડબ્રહ્મા રેલવે સ્ટેશનથી અંબાજી માટે સીધી કનેક્ટિવિટી
શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો કરતાં રેલવે સ્ટેશન પરથી જ સીધી બસ સેવા પણ શરૂ કરવામાં આવી છે. ટ્રેન મારફતે ખેડબ્રહ્મા પહોંચતા યાત્રીઓને સ્ટેશનની બહાર નીકળતા જ અંબાજી મંદિર સુધી પહોંચાડતી એસ.ટી. બસો મળી રહેશે. આ સુવિધાના કારણે માઈભક્તોના સમય અને વધારાના રિક્ષા ભાડાની મોટી બચત થશે, જેથી તેમની અંબાજી ધામ સુધીની ધાર્મિક યાત્રા વધુ સુગમ અને આરામદાયક બની રહેશે.
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
