તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Tuesday, 8th September 2026
સંસ્કારી નગરી વડોદરાથી રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની ધમાકેદાર જાહેરાત: મે-જૂનમાં દેશની પહેલી મેડ-ઈન-ઈન્ડિયા બુલેટ ટ્રેન ટ્રાયલ માટે પાટા પર દોડશે!
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વચ્ચે વડોદરાની MSU ખાતેથી ભારતીય રેલવેના આધુનિકીકરણનો રોડમેપ જાહેર; સુરત-વાપી બુલેટ ટ્રેન સેક્શન ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવાનો મક્કમ નિર્ધાર.

વડોદરા, તા. ૦૯: ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મલ્ટિ-પ્રોજેક્ટ લોકાર્પણ કાર્યક્રમો વચ્ચે સંસ્કારી નગરી વડોદરાથી દેશવાસીઓ માટે એક અત્યંત રોમાંચક અને ગર્વ અપાવનારા સમાચાર સામે આવ્યા છે. વડોદરાની વિશ્વપ્રસિદ્ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ખાતે યોજાયેલા 'નમો ૪ વિકસિત ભારત' કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે સનસનાટીભરી જાહેરાત કરી છે. તેમણે ખુલાસો કર્યો છે કે ભારત દેશમાં જ સંપૂર્ણ રીતે નિર્મિત (મેડ-ઈન-ઈન્ડિયા) પહેલી બુલેટ ટ્રેન હવે તૈયાર થઈ ગઈ છે અને આગામી મે-જૂન મહિનામાં તેની હાઈ-સ્પીડ ક્ષમતાની ચકાસણી કરવા માટે તેને ટ્રાયલ રન રૂપે પાટા પર ઉતારવામાં આવશે.
રેલવે મંત્રીએ ભારતીય રેલવેમાં ચાલી રહેલા વ્યાપક પરિવર્તનનો ચિતાર આપતાં જણાવ્યું હતું કે, પેસેન્જર ઓપરેટિંગ સિસ્ટમ અને ઓનલાઈન રિઝર્વેશન સિસ્ટમથી લઈને દાયકાઓ જૂની નિર્માણ પદ્ધતિઓને સંપૂર્ણપણે આધુનિક બનાવવામાં આવી રહી છે. ગુડ્સ ટ્રાન્સપોર્ટ માટે નેક્સ્ટ-જનરેશન વેગન્સ તૈયાર કરાઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને મોરબી અને કચ્છના ઉત્પાદકો માટે મીઠાના સલામત પરિવહન હેતુ વિશેષ ડિઝાઇન કરેલા ખાસ વેગન વિકસાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, વિશ્વના સૌથી ઊંચા ચિનાબ રેલ બ્રિજ અને દુર્ગમ મિઝોરમને દેશના મુખ્ય રેલ નેટવર્ક સાથે જોડવાના ઐતિહાસિક પ્રોજેક્ટ્સ પૂરા થઈ ચૂક્યા છે, જે દર્શાવે છે કે રેલવે ક્ષેત્રે અશક્ય કામો પણ હવે શક્ય બની રહ્યા છે.
અશ્વિની વૈષ્ણવે વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન મોદીના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ હેઠળ હાઇ-સ્પીડ રેલ કોરિડોરનું કામ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે. દેશના પ્રથમ બુલેટ ટ્રેન રૂટ પૈકીનો સુરતથી વાપી વચ્ચેનો સેક્શન ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં સંપૂર્ણરીતે તૈયાર કરી લેવામાં આવશે. આ સાથે જ વિશ્વામિત્રી-ડભોઈ રેલ લાઈનનું ડબલિંગ કામ ઝડપથી પૂરું કરાશે, જેનાથી મધ્ય ગુજરાતના સ્થાનિક વેપાર, ઉદ્યોગો અને પ્રવાસન ક્ષેત્રને એક નવી ઊંચાઈ મળશે. રેલવે મંત્રીની આ મોટી જાહેરાત બાદ દેશભરમાં હાઇ-સ્પીડ ટ્રેનના શોખીનો અને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
