News of Wednesday, 16th September 2026
ચીકદા મોડેલ સ્કૂલના રૂ.16 કરોડના બાંધકામ સામે સવાલો, ગેરરીતિના આક્ષેપોથી ખળભળાટ
રૂ.16 કરોડની મોડેલ સ્કૂલ કે બાંધકામમાં બેદરકારી? ચીકદામાં ઉઠ્યા ગંભીર સવાલો:કરોડોની મોડેલ સ્કૂલના બાંધકામમાં ગુણવત્તા સામે આક્ષેપ, તંત્રની તપાસની માંગ

(ભરત શાહ દ્વારા ) નર્મદા :આદિવાસી વિસ્તારમાં બાળકોને આધુનિક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે હેતુથી કરોડો રૂપિયાના ખર્ચે ચીકદા ખાતે નિર્માણ પામી રહેલી મોડેલ સ્કૂલનું બાંધકામ હવે ગંભીર સવાલોના ઘેરામાં આવ્યું છે. રૂ.16 કરોડથી વધુના ખર્ચે બની રહેલા આ મહત્વપૂર્ણ શૈક્ષણિક પ્રોજેક્ટમાં બાંધકામની ગુણવત્તા અને ઉપયોગમાં લેવાતી સામગ્રી અંગે ગેરરીતિ થઈ રહી હોવાના આક્ષેપો સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવ્યા છે.
સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ, સરકારી નાણાં માંથી નિર્માણ પામતી આ શાળાના બાંધકામમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી, કામની ગુણવત્તા અને મંજૂર માપદંડોનું પાલન થાય છે કે નહીં તે અંગે તપાસ થવી જરૂરી છે. કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં જો બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઊભા થાય છે, તો સમગ્ર કામગીરીની પારદર્શિતા અંગે પણ પ્રશ્નો ઉભા થાય છે.
–કરોડોનો ખર્ચ, તો ગુણવત્તાની ગેરંટી ક્યાં?
આ પ્રોજેક્ટ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સીધી રીતે જોડાયેલો છે. ત્યારે બાંધકામમાં કોઈપણ પ્રકારની બેદરકારી કે હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ થાય તો તેની અસર માત્ર સરકારી નાણાં પર નહીં, પરંતુ ભવિષ્યમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધાઓ પર પણ પડી શકે છે.
સ્થાનિક આગેવાનોની માંગ છે કે માત્ર કાગળ પરની તપાસ નહીં, પરંતુ મોડેલ સ્કૂલના સ્થળ પર તાત્કાલિક ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવે, ઉપયોગમાં લેવાયેલી સામગ્રીના નમૂના લેવામાં આવે અને મંજૂર નકશા, એસ્ટિમેટ તથા ટેન્ડરની શરતો મુજબ વાસ્તવિક કામગીરી થઈ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે.
– જવાબદાર તંત્ર હવે શું કરશે?
રૂ.16 કરોડથી વધુના ખર્ચના આ સરકારી પ્રોજેક્ટમાં ઉઠેલા આક્ષેપો અંગે સંબંધિત વિભાગ અને અધિકારીઓએ સ્પષ્ટતા કરવી જરૂરી બની છે. બાંધકામ યોગ્ય ધોરણો મુજબ થઈ રહ્યું હોય તો તપાસ દ્વારા હકીકત સામે આવવી જોઈએ અને જો કોઈ ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર વ્યક્તિઓ સામે નિયમ મુજબ કાર્યવાહી થવી જોઈએ. સરકારી નાણાં જનતાના નાણાં છે. શિક્ષણના નામે કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય ત્યારે બાંધકામની ગુણવત્તા સાથે કોઈ સમાધાન ન થાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી તંત્રની છે.
હવે જોવાનું એ છે કે ચીકદા મોડેલ સ્કૂલના બાંધકામ અંગે ઉઠેલા સવાલોને તંત્ર ગંભીરતાથી લે છે કે પછી આક્ષેપો માત્ર કાગળ પર જ રહી જાય છે?
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
