તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
રાજ્યમાં ૩૦ નવેમ્બરથી ટેકાના ભાવે મગની ખરીદી શરૂ થશે
ખેડૂત દીઠ મહત્તમ ૨,૫૦૦ કિલો મગની ખરીદી કરાશે, ચુકવણીમાં વિલંબ ટાળવા બેંક ખાતાનું આધાર સીડિંગ કરાવવા અપીલઃ ભાવ રૂ.૮૭૮૦

અમદાવાદ,તા.૨૪: રાજ્યના ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે અને આર્થિક નુકસાનથી રક્ષણ મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આગામી ૩૦ નવેમ્બર, ૨૦૨૬થી ખરીફ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારત સરકાર દ્વારા મગનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. ૮,૭૮૦ નક્કી કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પ્રતિ હેક્ટર ૫૫૦ કિલો (૨૭.૫ મણ) અને ખેડૂત દીઠ મહત્તમ ૨,૫૦૦ કિલો (૧૨૫ મણ) સુધી મગની ખરીદી કરવામાં આવશે. હાલ રાજ્યની વિવિધ ખ્ભ્પ્ઘ્માં ખરીફ મગનો સરેરાશ બજાર ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. ૮,૧૯૦ (પ્રતિ મણ રૂ. ૧,૬૩૮) ચાલી રહ્યો છે. જે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ટેકાના ભાવ કરતાં ઓછો હોવાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સમગ્ર ખરીદી ભારત સરકારની 'પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન' (પીએમ આશા યોજના)ની માર્ગદર્શિકા મુજબ કરવામાં આવશે. ટેકાના ભાવે મગ વેચવા માટે નોંધણી કરાવનારા ખેડૂતોને SMS મારફતે જાણ કરવામાં આવશે. SMS મળ્યા બાદ ખેડૂતોએ તેમને ફાળવવામાં આવેલા ખરીદ કેન્દ્ર પર નિયત ધોરણ મુજબનો મગનો જથ્થો લઈને હાજર રહેવાનું રહેશે.
ખરીદી કરવામાં આવેલા મગના જથ્થાની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં DBT મારફતે જમા કરવામાં આવશે. જોકે, ચુકવણી પ્રક્રિયામાં કોઈ વિલંબ ન થાય તે માટે ખેડૂતોએ પોતાના બેંક ખાતાનું આધાર સીડિગ કરાવી ખાતું એક્ટિવ રાખવું જરૂરી છે. આ અંગે કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પીએમ આશા યોજના હેઠળ સમાવિષ્ટ અન્ય ખરીફ પાકોના સરેરાશ બજાર ભાવ હાલ નિયત ટેકાના ભાવ કરતાં વધુ ચાલી રહ્યા છે. જ્યારે મગના બજાર ભાવ ટેકાના ભાવ કરતાં ઓછા હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
